પુરીની રથયાત્રામાં ભાગદોડઃ એક શ્રદ્ધાળુનું મોત, 400થી વધુ ઘાયલ, યાત્રા અધુરી રહી
હિન્દુ ધર્મના આસ્થાના પ્રતિક સમા પુરીના જગન્નાથ મંદિરની રથયાત્રા દરમિયાન એક દુર્ઘટના ઘટી હતી. સામાન્ય વાતે ભાગદોડ મચી હતી, જેમાં એક શ્રદ્ધાળુનું મોત નીપજ્યું હતું, જ્યારે 400થી વધુ ભક્તો ઘાયલ થયાના અહેવાલ સાંપડ્યા છે. આ સાથે જ સૂર્યાસ્ત થઈ જતાં યાત્રા અધૂરી મુકાઈ હતી, જે 8મીની સવારે મંગળા આરતી બાદ પ્રસ્થાન કરશે.
ઓરિસ્સા સ્થિત જગન્નાથ મંદિરમાં રથયાત્રા અષાઢી બીજના દિવસે નીકળે છે અને વિશ્વભરના હિન્દુઓમાં તે શ્રદ્ધાનો વિષય છે. આજે સવારે શ્રદ્ધાપૂર્ણ માહોલમાં, માનવ મહેરામણ વચ્ચે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી તેમજ ભાઈ બલભદ્રજીના રથો નગરચર્યાએ નીકળ્યા હતાં. સાંજ સુધી બધું યોગ્ય રીતે ચાલી રહ્યું હતું. જો કે સાંજ પડતાં જ બલભદ્રજીનો રથ ખેંચતી વેળા બે ભક્તો વચ્ચે ચડભડ થઈ હતી અને વાત વણસી જતાં ભાગદોડ મચી ગઈ હતી. આ ભાગદોડમાં સેંકડો ભક્તો પટકાયા હતાં, જે પૈકી એકનું મોત નીપજ્યું હતું. જ્યારે 400થી વધુ લોકો ઘાયલ થયા હતાં.
આ ઉપરાંત યાત્રામાં આજે નિયત કરતાં વધુ સમય નીકળી ગયો હતો. જેથી પરંપરા મુજબ સૂર્યાસ્ત થતાં રથયાત્રાને સાંજે વિરામ આપી દેવામાં આવ્યો હતો. 53 વર્ષમાં પહેલી વખત એવું બન્યું કે યાત્રા અધૂરી રહી છે. હવે બીજા દિવસે એટલે કે 8મીના રોજ સવારે મંગળા આરતી કરવામાં આવશે અને ત્યારબાદ રથયાત્રાને ફરી પ્રસ્થાન કરાવાશે. ત્યારબાદ ત્રણેય રથ નીજ મંદિરે પહોંચશે અને યાત્રા સંપન્ન થશે.