November 21, 2024

પૂ.મોરારી બાપુ દ્વારા આયોજિત 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રાનું સમાપન

તલગાજરડા, મહુવા, 9 ઓગસ્ટ : પૂજ્ય મોરારીબાપુ દ્વારા આયોજીત 12 જ્યોતિર્લિંગ ખાતે રામકથાની પવિત્ર યાત્રાનું 8 ઓગસ્ટ, 2023ના રોજ ગુજરાતના તલગાજરડા ખાતે બાપુના ચિત્રકુટધામમાં સમાપન કરવામાં આવ્યું હતું. કેદારનાથના પવિત્ર પર્વતોથી શરૂ કરીને સોમનાથના દરિયા કિનારા સુધી 12,000 કિ.મી. લાંબી યાત્રા 18 દિવસમાં પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં શ્રદ્ધાળુઓને આધ્યાત્મિકતા અને આત્માની શોધની યાત્રાની અનુભૂતિ કરાવવામાં આવી હતી. પૂજ્ય બાપુએ સનાતન ઘર્મના શૈવ અને વૈષ્ણવ સહિતના વિવિધ સમૂહો અને સમુદાયો વચ્ચે સંવાદિતા અને સહ-અસ્તિત્વના બીજ રોપવા માટે 12 જ્યોતિર્લિંગ ખાતે રામકથાના ઉપદેશો ફેલાવવાની આ પહેલ હાથ ધરી હતી.
1008 શ્રદ્ધાળુઓએ રામ કથા સાંભળતા ઉત્તરાખંડ રાજ્યના કેદારનાથ; વિશ્વનાથ, કાશી; બૈદ્યનાથ, ઝારખંડ; મલ્લિકાર્જુન, આંધ્રપ્રદેશ; રામેશ્વરમ્, તમિલનાડુ; નાગેશ્વર, ભીમાશંકર, ત્ર્યંબકેશ્વર અને ઘૃષ્ણેશ્વર, મહારાષ્ટ્ર; ઓમકારેશ્વર અને ઉજ્જૈન, મધ્ય પ્રદેશ અને છેલ્લે સોમનાથના જ્યોતિર્લિંગના દર્શન કરીને સફળતાપૂર્વક આ યાત્રા પૂર્ણ કરી હતી. શ્રદ્વાળુઓએ ઋષિકેશ, જગન્નાથ પુરી, તિરુપતિ બાલાજી અને દ્વારકાધીશ ધામના પવિત્ર ધામોના દર્શનનો પણ અનુભવ કર્યો હતો.
યાત્રાના ઉદ્દેશ્ય વિશે વાત કરતા બાપુએ જણાવ્યું હતું કે આ યાત્રા “નિર્હેતુ” હતી અર્થાત કોઈ ગુપ્ત હેતુ વગરની હતી, પરંતુ તે જ્યોતિર્લિંગ, ધામો અને અન્ય તમામ હિન્દુ ધર્મસ્થાનો સહિત સનાતન ધર્મની ધર્મનિષ્ઠા અને ભક્તિના કેન્દ્રોને પુનર્જીવિત કરવામાં ચોક્કસપણે મદદ કરશે. બાપુએ આગ્રહપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે તમામ મંદિરો પહેલેથી જ શુદ્ધ છે, ત્યારે તેમને સ્વચ્છ રાખવાની અને વધુ સારી રીતે સુયોજિત કરવાની જરૂર છે જેથી મોટા ભાગના સામાન્ય માણસો પણ સરળતાથી ત્યાં પહોંચી શકે અને દર્શન મેળવી શકે કે જેથી આંતરિક શાંતિની શોધ કરી શકાય અને દિવ્યતા સાથે જોડાણ મેળવી શકાય.

બાપુએ જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા અને કાશી તથા ઉજ્જૈનમાં ભવ્ય કોરિડોરનું નિર્માણ કરવાના સરકારના પ્રયાસોને અન્ય મુખ્ય યાત્રાધામોના નવીનીકરણ માટેના ઉદાહરણ તરીકે ગણવા જોઈએ. બાપુએ આ કથાના માધ્યમથી “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના વિચારની પણ ઉજવણી કરી હતી અને અમૃત કાલની ચાલી રહેલી ઉજવણીઓ વચ્ચે આપણા ભારત દ્વારા સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહન આપવામાં આવે છે તેના તરફ ધ્યાન દોર્યું હતું.
ઘણા સંતો માને છે કે આત્મસાક્ષાત્કાર એ માનવજીવનનું અંતિમ ધ્યેય છે, ત્યારે બાપુને લાગે છે કે સાધુએ છેવાડાના માનવી સુધી પહોંચીને પોતાનો અંદરનો દીવો પ્રગટાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યોતિર્લિંગ રામ કથા ઘણી બધી રીતે દેશના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ એમ ચાર ખૂણામાં લોકો સાથે જોડાવાનો અને તેમના સુધી આધ્યાત્મિક ઉમંગ લાવવાનો એક પ્રયાસ હતો. કથાના અંતિમ દિવસે બાપુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રા સાંસ્કૃતિક એકતા અને રાષ્ટ્રીય સુમેળ લાવવાની એક પહેલ હતી.
દેશભરમાં ભક્તોમાં સનાતન ધર્મના ઉપદેશો અને તર્કને ફેલાવવાના હેતુ સાથને રામ કથા યાત્રા શાંતિ અને સંવાદિતાના બીજ રોપવા પર કેન્દ્રિત હતી અને આપણા ભારતવર્ષના તત્વમાં સમાવિષ્ટ સમૃદ્ધ ઇતિહાસ અને પ્રાચીન જ્ઞાનની ઉજવણીમાં દેશભરના સમુદાયોને એક કર્યા હતા.
સનાતન ધર્મને નવજીવન આપીને અને રામચરિતમાનસના ઉપદેશોને આધુનિક સમાજ સાથે પ્રસ્તુત કરવાના પ્રયાસરૂપે બાપુએ સ્વચ્છતા, સમાનતા, સંવાદિતા, એકતા અને શાંતિ સાથે સહ-અસ્તિત્વના મૂલ્યોને જાળવી રાખતા આદર્શ સમાજના નિર્માણના મહત્વ વિશે વાત કરી હતી. આપણા ધર્મગ્રંથોનું પ્રાચીન જ્ઞાન દેશભરના ભક્તો સુધી પહોંચાડવા, તેમનામાં આપણા દેશની સંસ્કૃતિ, ધર્મ અને વિવિધતા માટે ગૌરવનું સિંચન થાય તે માટે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ સમર્પણ સાથે શ્રદ્ધાળુઓએ માત્ર 18 દિવસમાં જ 12,000 કિ.મી.નો પ્રવાસ ખેડ્યો હતો અને આધ્યાત્મિકતાની ટ્રેનમાં સવાર થઈને સ્તોત્રો, મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓથી વાતાવરણને પવિત્રમય કરી દીધું હતું.
12 જ્યોતિર્લિંગ રામ કથાનું સફળ સમાપન થવાથી મોરારી બાપુનો વારસો સમૃદ્ધ થયો છે. યાત્રાના અંતે બાપુએ જાહેરાત કરી હતી કે આ તેમનું 900મું ધાર્મિક પ્રવચન હતું અને વર્તમાન યાત્રામાં માત્ર વિરામ લીધો છે જે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં થોડા દિવસોમાં ફરી શરૂ થશે. બાપુએ પૃથ્વીની પરિક્રમા કરતી વખતે હવામાં, વહાણમાં, કૈલાસ પર, ભૂસુંદી સરોવર વગેરે સ્થળોએ રામકથાનું આયોજન કરવા જેવા અનેક ઐતિહાસિક સીમાચિહ્નો પ્રાપ્ત કર્યા છે.
આ 12 જ્યોતિર્લિંગ રામ કથા રેલ યાત્રાને આઈઆરસીટીસીના સહયોગથી બે વિશેષ ટ્રેનો – કૈલાશ ભારત ગૌરવ અને ચિત્રકૂટ ભારત ગૌરવ ટ્રેનો દ્વારા સુવિધા આપવામાં આવી હતી. આ કથાનું આયોજન બાપુના ફૂલ (ભક્ત) રૂપેશ વ્યાસ દ્વારા ઈન્દોરથી આદેશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *