November 21, 2024

Attack: હમાસે ઈઝરાયેલ પર છોડ્યાં 5000 રોકેટ, 22નાં મોત

 પેલેસ્ટાઈનના ઉગ્રવાદી સંગઠન હમાસે 7 ઓક્ટોબરની સવારે ઇઝરાયેલ પર આશરે 5,000 રોકેટ છોડ્યા હતા. આ પછી ઈઝરાયલે હમાસ વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી છે. આ હુમલાને પગલે ઈઝરાયેલે પેલેસ્ટાઈન અને ગાઝા પટ્ટી સરહદે આવેલા વિસ્તારોમાં રહેતા પોતાના નાગરિકોને તેમના ઘરમાં જ રહેવા જણાવ્યું છે. હમાસે આ ઓપરેશનને ‘અલ-અક્સા ફ્લડ’ નામ આપ્યું છે ત્યારે ઇઝરાયલી સેનાએ હમાસ વિરુદ્ધ ‘ઓપરેશન આયર્ન સ્વોર્ડ’ શરૂ કર્યું છે.

હમાસે શનિવારે સવારે ઈઝરાયલની રાજધાની તેલ અવીવ, સેડેરોટ, એશ્કેલોન સહિત 7 શહેર પર રોકેટ છોડ્યા હતા. આ રોકેટ રહેણાક ઇમારતો પર પડ્યાં હતાં જેમાં અત્યાર સુધીમાં 22 લોકોનાં મોત થયાં હોવાનું જાણવા મળે છે.

આ અંગે મળતી માહિતી મુજબ કેટલાક ઉગ્રવાદીઓ પેરાગ્લાઈડરનો ઉપયોગ કરીને સરહદમાં પ્રવેશ્યા હતા અને સામે જે દેખાયું તે દરેકને ગોળી મારી દીધી હતી. અચાનક થયેલા હુમલા બાદ ઈઝરાયેલમાં રેડ એલર્ટ જાહેર કરીને વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તાત્કાલિક ઈમરજન્સી બેઠક બોલાવીને દેશમાં યુદ્ધની જાહેરાત કરી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, હમાસ ઇઝરાયેલ સાથે દુશ્મનાવટ ધરાવે છે અને તે પેલેસ્ટાઇનનું એક ઇસ્લામિક ઉગ્રવાદી સંગઠન છે. શેખ અહેમદ યાસીને 1987ના જન આંદોલન દરમિયાન આ સંગઠનનો પાયો નાખ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી હમાસ ઈઝરાયેલને પેલેસ્ટિનિયન વિસ્તારોમાંથી હટાવવા માટે લડી રહ્યું છે અને આ સમગ્ર વિસ્તારમાં ઈસ્લામિક રાજ્ય સ્થાપવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *