ગુજરાતમાં હાર્ટએટેકે લીધો 2 આશાસ્પદ યુવાનોનો ભોગ
છેલ્લાં થોડાં સમયમાં ગુજરાતમાં હાર્ટએટેકના કારણે યુવાનોના મોતના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે ત્યારે આજે ફરીથી વડોદરામાં આશાસ્પદ વિદ્યાર્થી અને રાજકોટના એક યુવાનનું હાર્ટએટેકને કારણે મોત નિપજતાં તેમના પરિવારજનોમાં ચિંતા અને દુ:ખનું મોજુ ફરી વળ્યું છે.
વડોદરાની MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના ઝુઓલોજી ડિપાર્ટમેન્ટના બીજા વર્ષમાં અભ્યાસ કરતા દીપ ચૌધરીને મિત્રો સાથે વાત કરતી વખતે હસતાં હસતાં હાર્ટ-એટેક આવ્યો હતો. આથી મિત્રો દ્વારા દીપને હોસ્પિટલમાં સારવાર માટે એમ્બ્યુલન્સમાં ખસેડવામાં આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં જ મિત્રના ખોળામાં અંતિમ શ્વાસ લીધા હતા. જેને પગલે પરિવાર અને વિદ્યાર્થી મિત્રોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પુત્રનું અકાળે મૃત્યુ થતાં પિતાનાં સપનાં ચકનાચુર થઈ ગયાં છે અને એકનો એક દીકરો ગુમાવતાં પરિવાર આઘાતમાં ગરકાવ થઈ ગયો છે. 18 વર્ષીય દીપ શામલાલ ચૌધરી મૂળ પાટણનો રહેવાસી હતો. તે ગત રાત્રે પોતાના મિત્રો સાથે છોલે ભટુરે ખાઈને બોય્ઝ હોસ્ટેલના કનૈયાલાલ મુનશી હોલમાં મિત્રોને મળવા ગયો હતો. હોસ્ટેલ રૂમમાં દીપ મિત્રો જોડે હસી-મજાકની વાતો કરી રહ્યો હતો. આ દરમિયાન જ દીપને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો અને તે જમીન ઉપર ઢળી પડ્યો હતો. જેથી તેના મિત્રોએ તાત્કાલિક એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો અને તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. એમ્બ્યુલન્સ સયાજી હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ દીપે પ્રાણ છોડી દીધા હતા અને સયાજી હોસ્પિટલમાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ અંગે જાણ થતાં જ ડિપાર્ટમેન્ટના ડીન અને વિદ્યાર્થીના પિતા શામલાલ ચૌધરી સહિત પરિવારજનો પણ હોસ્પિટલ દોડી ગયા હતા જ્યાં સયાજીગંજ પોલીસે પણ વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને વધુ તપાસ શરૂ કરી છે.
આ ઉપરાંત રાજકોટમાંથી હાર્ટએટકથી મૃત્યુનો વધુ એક બનાવ સામે આવ્યો છે. રાજકોટ મહાનગર પાલિકામાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા વી.વી. પટેલને હાર્ટે એટેક આવતા તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઉલ્લેખનિય છે કે, મનપાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર વી.વી પટેલની એક સપ્તાહ પહેલા જ બદલી થઈ હતી. ત્યારે તેમના નિધનથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.