આફ્રિકન દેશ મોરોક્કોમાં 6.8નો શક્તિશાળી ભૂકંપ: 296 લોકોનાં મોત
મોરોક્કોના મરાકેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં શુક્રવારની મોડી રાત્રે 6.8ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો, જેમાં અત્યાર સુધી 296 લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે. રાત્રે લગભગ 11:11 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર મરાકેશથી 71 કિલોમીટર દૂર 18.5 કિલોમીટરની ઊંડાઈએ હતું. આ વિસ્તારમાં 120 વર્ષમાં આ સૌથી શક્તિશાળી ભૂકંપ હોવાનું કહેવાય છે ત્યારે ભૂકંપના કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે અને લોકો ઘરોની બહાર રસ્તા પર દોડી આવ્યા હતા.
ધરતીકંપનું કેન્દ્ર મારકેશ શહેરથી 70 કિલોમીટર દૂર આવેલા એટલાસ પર્વતની નજીક આવેલા ઈઘિલ નામનું ગામ હોવાનું કહેવાય છે. ભૂકંપની ઊંડાઈ જમીનથી 18.5 કિલોમીટર નીચે હતી. ભૂકંપના આંચકા છેક પોર્ટુગલ અને અલ્જીરિયા સુધી અનુભવાયા હતા.
ભૂકંપના કારણે ઇમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ છે તેમજ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ એવા ઐતિહાસિક મારકેશમાં જૂના શહેરની આસપાસની પ્રખ્યાત લાલ દીવાલોના ભાગોને પણ ભારે નુકસાન થયું હતું. જોકે, હાલમાં તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આફ્રિકન અને યુરેશિયન પ્લેટો વચ્ચે સ્થિત હોવાને કારણે, મોરોક્કોના ઉત્તરીય પ્રદેશમાં વારંવાર ભૂકંપ આવે છે. 2004 માં ઉત્તરપૂર્વ મોરોક્કોમાં અલ હોસીમામાં આવેલા ભૂકંપને કારણે ઓછામાં ઓછા 628 લોકોના મોત થયા હતા અને 926 ઘાયલ થયા હતા.