લિંબાયત ઝોનમાં KYC કામગીરીમાં ધાંધિયા સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
- 500 રાશનકાર્ડ ધારકો પૈકી માંડ 100નું KYC થાય છે, દોઢ ફૂટના દાદર પર મહિલાઓએ કલાકો લાઈનમાં ઉભા રહેવું પડે છે
- કોંગ્રેસ અગ્રણી-કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી વ્યવસ્થા ગોઠવવા માંગ કરી, અનેકની અટકાયત
રાશન કાર્ડ કામગીરી દરમિયાન KYCની પ્રક્રિયા દરમિયાન થતાં ધાંધિયા સામે લોકહિતમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગોડાદરા સ્થિત “લિંબાયત ઝોન પુરવઠા ઓફિસ” સામે ઉગ્ર દેખાવ સાથે ધરણાં કરવામાં આવ્યા હતાં, જેમાં પોલીસે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી.
કોંગ્રેસી અગ્રણી અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે ગોડાદરા સ્થિત લિંબાયત ઝોન પુરવઠા ઓફિસ પર KYC કામગીરીમાં ચાલતા ધાંધિયા અને ભ્રષ્ટચારથી સ્થાનિક ઝોનનાં ગરીબ શ્રમિક લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. આશરે ૧૫ લાખ કરતાં વધુની વસ્તી ધરાવતા સુરત શહેરનાં સૌથી મોટા શ્રમિક વિસ્તારમાં સરકારી વિભાગ ઓરમાયું વર્તન કરતું હોય એવું સ્પષ્ટપણે હાલની પુરવઠા ઝોન ઓફિસ જે સ્થળે છે ત્યાં જણાઈ રહ્યું છે. પ્રથમ માળે પુરવઠા ઝોન ઓફિસમાં જવા-આવવા માટે માત્ર દોઢ ફૂટનો એક તદ્દન સાંકડો દાદર જ છે અને આ એક જ દાદર ઉપર પુરૂષો સાથે મહિલાઓ લાઈનમાં અગવડતામાં ઊભા રહેવા મજબૂર બની છે.
KYC માટે રોજનાં આશરે ૫૦૦ રાશન કાર્ડ ધારકો આવે છે, જેમાં સવારે ૧૦.૪૫ કલાકથી સાંજે ૬.૧૦ કલાક સુધીમાં માત્ર આશરે ૧૦૦ રાશન કાર્ડ ધારકોના KYC થાય છે. સરકારી તંત્રની આડોડાઈથી વિદ્યાર્થી અને શ્રમિકોને ઘણી મુશ્કેલી વેઠવી પડી રહી છે. લિંબાયત પુરવઠા ઝોન ઓફિસ લિંબાયત વિધાનસભા અને ચોર્યાસી વિધાનસભાનાં ઘણાં વિસ્તારને આવરી લેતી હોવા છતાં મહિલાઓને પડતી યાતના સ્થાનિક મહિલા ધારાસભ્ય શ્રીમતી સંગીતા પાટીલની દૃષ્ટિએ નહીં પડે એ દુઃખદ છે. તેમજ કહેવાતા જાગૃત ધારાસભ્ય શ્રી સંદિપ દેસાઈને સ્થાનિક ગરીબ શ્રમિક લોકોને એમની સરકારનાં વિભાગ દ્વારા જે સમસ્યા થઈ રહી છે એ નહીં દેખાય એ પણ વિચિત્ર કહી શકાય.
રાશન કાર્ડ KYC કામગીરીમાં થઈ રહેલ ધાંધિયા અને ભ્રષ્ટચાર સામે લોકહિતમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લિંંબાયત ઝોન વિસ્તારનાં કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી દેખાવ કરવામાં આવ્યા હતાં. જેમાં ગોડાદરા પોલીસ દ્વારા મોટી સંખ્યામાં સ્થળ પર વિરોધ પ્રદર્શન કરી રહેલા અગ્રણીઓને ડીટેઈન કરવામાં આવ્યા હતાં. જેને પગલે કોંગ્રેસીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.