અમેરિકાના હવાઈના જંગલમાં આગ: 53ના મોત
અમેરિકાના હવાઈ સ્ટેટના જંગલો ભયાનક આગ ફાટી નીકળી હતી. આ આગને કારણે અત્યાર સુધીમાં 53 લોકોના મોત થયા છે અને હવાઈમાં આ અત્યાર સુધીની સૌથી મોટી દુર્ઘટના ગણવામાં આવી રહી છે કારણ કે, આ આગમાં લગભગ એક હજાર ઈમારતો બળીને ખાખ થઈ ગઈ છે. સાથે જ રાજ્યમાં અનેક લોકો બેઘર બની ગયા છે. મંગળવારે ભારે પવનને કારણે આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે ઘણા લોકો તેની ચપેટમાં આવી ગયા હતા જ્યારે આગથી બચવા માટે કેટલાક લોકો દરિયામાં કૂદી પડ્યા હતા. માઉઈમાંથી અત્યાર સુધીમાં હજારો લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે ત્યારે એરપોર્ટ પર 1400 લોકો બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, આ પૈકીના મોટાભાગના લોકો પ્રવાસીઓ છે.
હવાઈના ગવર્નર જોશ ગ્રીને કહ્યું કે, લાહૈના શહેરમાં તબાહી બાદ તેને ફરીથી બનાવવામાં ઘણા વર્ષો સમય લાગશે અને અબજો રૂપિયાનો ખર્ચ થશે. 1961માં ભરતીના મોજામાં 61 લોકોના મોત થયા બાદ આ સૌથી મોટી જાનહાનિ છે. જ્યારે રાષ્ટ્રપતિ જો બાઈડેને ગુરુવારે તેને આપત્તિ જાહેર કરી અને રાહત કામગીરી માટે ફંડ જાહેર કર્યું હતું.
આ આગ એટલી વિકરાળ હતી કે, 100 થી વધુ પ્રવાસીઓ પોતાનો જીવ બચાવવાના પ્રયાસમાં સમુદ્રમાં કૂદી ગયા હોવાની આશંકા છે. આ આગમાંથી નીકળતા ધુમાડાને કારણે હેલિકોપ્ટરના પાયલટોને પણ બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમ છતાં કોસ્ટ ગાર્ડ વેસેલે 50 થી વધુ લોકોને બચાવવામાં સફળતા મેળવી છે.