7 જુલાઈએ રવિ પુષ્ય નક્ષત્ર, ઈચ્છા પુરી કરવા, સમસ્યા નિવારણ માટે ઉત્તમ દિવસ
- એક કાગળ પર પોતાને નડતી સમસ્યા અને બીજા કાગળ પર મનોકામના લખવાની તદ્દન સરળ વિધિ
હિન્દુ ધર્મ, સંસ્કૃતિમાં પુષ્ય નક્ષત્રનું એક વિશેષ મહત્વ છે. ખાસ કરીને આ દિવસે સોનું-ચાંદી, કિંમતી ધાતુ, વાહનો, ઘર, વિગેરે ખરીદવાનું મહત્વ છે. જો કે તમને જાણીને આશ્ચર્ય થશે કે આ સિવાય પણ રવિ પુષ્ય નક્ષત્રનું એક વિશેષ મહત્વ છે. તો જાણીએ આ મહત્વ કઈ રીતનું છે. રવિવારે આવતાં પુષ્ય નક્ષત્ર સંયોગને ખૂબ ખાસ કહેવામાં આવ્યો છે.
એવું કહેવામાં આવ્યું છે કે રવિ પુષ્ય નક્ષત્રમાં વિશિષ્ટ સમયે, સ્નાનાદિ કરીને પવિત્ર થયા બાદની તદ્દન સામાન્ય એક વિધિ ખૂબ અસરકારક છે. વ્યક્તિએ બે ચોરસ આકારના કોરા કાગળ તેમજ લાલ અને કાળી સહીવાળી પેન લેવાની છે. એક કાગળ ઉપર તમારી જે પણ કોઈ સમસ્યા હોય તે કાળી પેનથી લખવાની છે. સ્પષ્ટ રીતે કાળી પેનથી લખેલી સમસ્યાવાળા કાગળને ઈષ્ટદેવને યાદ કરીને ડુચો કરવાનો છે અને ગેસ પર સળગાવી નાંખી તેની રાખને વોશ બેઝીનમાં વહાવી દેવાની છે.
જ્યારે લાલ પેનથી તમારે બીજા કોરા કાગળ પર તમારી ઈચ્છા લખવાની છે. નજીકના ભવિષ્યમાં તમે શું ઈચ્છો છો, તમારી કઈ મહેચ્છા છે, તમે શું કરવા માંગો છો, તેની વિગતો સ્પષ્ટ રીતે લખવાની છે. આ લખ્યા બાદ ઈષ્ટદેવને યાદ કરીને એક શુદ્ધ કવર કે કપડામાં તે ચિઠ્ઠી મુકીને ઘરના મંદિરમાં દેખાય નહીં તે રીતે સંતાડી દેવાની છે.
કહેવાય છે કે રવિ પુષ્ય નક્ષત્રના શુભ સંયોગના પ્રભાવે વ્યક્તિ આ પ્રકારે પોતાની સમસ્યામાંથી મુક્ત થઈ શકે છે, સાથે જ પોતાનું ધાર્યું કામ પાર પાડી શકે છે.