દુકાનદારે ગ્રાહકને 3 રૂપિયા પરત ન આપ્યા પણ હવે ભરવા પડશે 25000
ઘણીવાર દુકાનદારો છુટા પૈસા ન હોવાનું બહાનું કાઢીને ચોકલેટ જેવી વસ્તુ પકડાવી દેતાં હોય છે તો ક્યારેક 1-2 રુપિયા માટે ગ્રાહક પણ તકરારમાં ન પડતાં એટલાં રુપિયા જવા દેતાં હોય છે ત્યારે ઓડિશાના સંબલપુર ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશને એક વ્યક્તિ પાસેથી ઝેરોક્ષની ફી તરીકે 3 રૂપિયા વધારાના વસૂલવા બદલ દુકાનના માલિકને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વાત એમ હતી કે, ગ્રાહક અને ફરિયાદી પ્રફુલ્લ કુમાર દાશ 28 એપ્રિલ, 2023ના રોજ તેઓ એક દસ્તાવેજની ફોટોકોપી લેવા માટે સંબલપુરના બુધરાજામાં ગોયલ પ્રિન્ટીંગ ઝોનમાં ગયા હતા. તેમણે 5 રૂપિયા ચૂકવ્યા હતા અને દુકાનદારને 3 રૂપિયા પરત કરવા કહ્યું હતું કારણ કે ઝેરોક્ષનો દર પ્રતિ નકલ 2 રૂપિયા હતો. તેમનો આરોપ હતો કે દુકાન માલિકે 3 રૂપિયા પરત કરવાનો ઇનકાર કર્યો હતો અને તેમની સાથે ગેરવર્તન કર્યું હતું. પ્રફુલ્લ દાશે જણાવ્યું કે દુકાન માલિકની ખુરશી પર બેઠેલા વ્યક્તિએ તેને ભિખારી કહીને સંબોધન કર્યું અને કહ્યું કે, મેં ભિખારીને દાન આપ્યું છે. જેથી આ સંદર્ભે તેમણે ગોયલ પ્રિન્ટિંગ ઝોન સામે કન્ઝ્યુમર ફોરમનો સંપર્ક કર્યો હતો.
કન્ઝ્યુમર ફોરમે સમગ્ર મામલો જાણ્યા બાદ અને ઝેરોક્ષની દુકાનના માલિકનો પક્ષ જાણ્યા બાદ કન્ઝ્યુમર ફોરમે દુકાનદારને 30 દિવસમાં ફરિયાદીને પૈસા પરત કરવા અને ફરિયાદીને માનસિક ત્રાસ અને હેરાનગતિ કરવા બદલ વળતર તરીકે 25,000 રૂપિયા ચૂકવવા આદેશ આપ્યો છે. એટલુ જ નહિ, આ સમય પૂરો થયા બાદ દંડની રકમ સાથે વાર્ષિક 9 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે.