શ્રી સોમનાથ તીર્થમાં 1.25 લાખ ગણપતિ અથર્વશીર્ષ અનુષ્ઠાન યોજાશે
શ્રી સોમનાથ મંદિર પરિસરમાં અતી પ્રાચીન શ્રી કપર્દી વિનાયક ગણેશજીના સાનિધ્યમાં સૌથી મોટું ગણેશ આરાધના સવા લક્ષ ગણપતિ અથર્વશીર્ષ અનુષ્ઠાન અને મહાયજ્ઞનું સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી સોમનાથ મંદિર પરિસરમાં તા.26 થી 28 દરમિયાન શ્રી સોમનાથ તીર્થમાં 1.25 લાખ ગણપતિ અથર્વશીર્ષ અનુષ્ઠાન સંપન્ન કરી મહાયજ્ઞ યોજાશે જેમાં રાજ્યભરની તમામ પાઠશાળાના ઋષિકુમારો દ્વારા શ્રી ગણપતિ અથર્વશીર્ષના 1.25 લાખ પાઠ પૂર્ણ કરવામાં આવશે. સાથે જ, શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તા. 26,27,28 સપ્ટેબર દરમિયાન સોમનાથ મંદિર પરિસરમાં શ્રીગણેશ મહાયજ્ઞ કરવામાં આવશે. સવારે 09:00 થી 01:00 વાગ્યા સુધી તેમજ બપોરે 02:30 થી 06:00 વાગ્યા સુધી યજ્ઞ કરવામાં આવશે જેનાં માટે શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે વિશેષ યજ્ઞશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ગોમયના લીંપણ સાથે સમગ્ર યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે ત્યારે વૃક્ષોના પર્ણો સાથે યજ્ઞશાળાનું સુશોભન કરવામાં આવશે.
કહેવાય છે કે, જે ભૂમિ પર 1.25 લાખ ગણપતિ અથર્વશીર્ષનું પઠન અને યજ્ઞ થાય તે ભૂમિ સાક્ષાત શ્રી ગણેશનું નિરંતર સાનિધ્ય પ્રાપ્ત કરે છે.