રક્ષાબંધનની ઉજવણી ક્યારે કરશો?
તા. 30 ઓગસ્ટના સવારે 11 થી સાંજના 7.50 સુધી રાખડી બાંધવી
ભારતીય પંચાંગ અનુસાર આપણે દરેક પર્વની ઉજવણી કરતા હોઇએ છીએ.આ વર્ષે ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર રક્ષાબંધન તા.30/8 ને બુધવારે ઉજવવાની રહેશે.
જાણીતા જ્યોતિષ નીલેશભાઈ રાવલ જણાવે છે કે, આ દિવસે સવારે 10.59 સુધી ચૌદસ છે ત્યારબાદ પૂર્ણિમા છે જે તા. 31 ઓગસ્ટ સવારે 7.06 સુધી છે પણ તા.30/8 ના રક્ષાબંધનના દિવસે રાત્રે 9.02 સુધી ભદ્રાદોષ હોવાથી રાખડી બાંધી શકાય નહિ તેવી ચર્ચા વિપ્ર બંધુઓના મતમતાંતર દરેકના મુખે સાંભળવા મળે છે પરંતુ સુદ પક્ષમાં પૂર્ણિમાના દિવસે ભદ્રા હોવાથી વૃષ્ચીકી નામની ભદ્રા ગણાય છે માટે નિર્ણય સિંધુ અને ધર્મસિંધુ ગ્રંથોના આધારે વૃષ્ચીકી ભદ્રાની છેલ્લી ત્રણ ઘડી (72 મિનિટ) જ ત્યાગવાની હોય છે.ભાઈના દિવ્ય જીવનની કામના માટે; દીર્ઘાયુષ્ય; સુખી; સમૃધ્ધિની કામના માટે બહેન ભાઈના કાંડે રક્ષા બાંધે છે તે રાખડી તા.30 ઓગસ્ટના દિવસે સવારે 11 કલાકથી સાંજના 7.50 કલાક સુધી રાખડી બાંધી શકાશે. તા.30 ના રોજ જ રક્ષાબંધન ઉજવવી બ્રાહ્મણોએ સવારે 11 કલાક પછી જ વિધિ વત યજ્ઞોપવિત બદલી શકશે.