કારગીલમાં ભંગારની દુકાનમાં થયો વિસ્ફોટ: ત્રણના મોત
લદ્દાખના કારગીલમાં શુક્રવારે એક ભંગારની દુકાનમાં એક જબરદસ્ત વિસ્ફોટ થયો હતો જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને 10થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ત્યાં ધસી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન કબડી નાલા સ્થિત એક દુકાનમાં એક શંકાસ્પદ વસ્તુમાં બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યુ છે.
આ અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે અગાઉ પણ અમે વારંવાર ભંગારની દુકાનને શહેરથી દૂર રાખવા અંગે રજુઆત કરી હતી, કારણ કે આ દુકાન બજારની મધ્યમાં છે અને અહીં સારવાર માટે કોઈ ડૉક્ટર પણ નથી.
આ ઘટના અંગે અધિકારીઓએ જણાવ્યું કે, મૃત્યુ પામેલા 3માંથી 1 જમ્મુનો અને 2 દ્રાસના વતની હતા. જ્યારે અન્ય ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે ત્યારે કારગીલ જિલ્લા કમિશનર શ્રીકાંત બાલાસાહેબ સુસેએ દ્રાસ ઉપ જિલ્લા હોસ્પિટલની મુલાકાત લીઈને સ્થાનિક સત્તાવાળાઓને વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયેલા 8 લોકોને તમામ મદદ પૂરી પાડવાનો આદેશ આપ્યો છે.