કેદારનાથ માર્ગ પર ભૂસ્ખલનમાં ચાર ગુજરાતી સહિત પાંચનાં મોત
- ગઈ તા. 10મીએ ભૂસ્ખલનમાં અનેક વાહનો દટાયા હતાં, ગુજરાતી યાત્રીઓની સ્વિફ્ટ ડિઝાયર કાર લેન્ડસ્લાઈડિંગને કારણે દટાઈ હતી
- ભૂસ્ખલન બાદ ભારે વરસાદને કારણે બચાવ પ્રક્રિયા વિલંબાઈ, શુક્રવારે મૃતદેહો મળ્યાં, ત્રણ અમદાવાદના, એક મહેમદાવાદના યાત્રીનું મોત
હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ… ઉક્તિ પેઠે અમરનાથ, કેદારનાથ જેવા ધામોની યાત્રા અતિ કઠીન છે. આધુનિક સંસાધનો અને ટેક્નોલોજીથી થોડી સરળતા પ્રાપ્ત થઈ છે ખરી, પરંતુ કુદરતની સામે હજુ પણ કાળા માથાનો માનવી લાચાર જોવા મળી રહ્યો છે. આવી જ એક દુઃખદ ઘટનામાં કેદારનાથ બાબાના દર્શને જવા નીકળેલા ચાર ગુજરાતીઓ સહિત પાંચ યાત્રીઓનાં મોત નીપજ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે.
અમદાવાદના ઘોડાસરના કુશલ સુધાર અને મહેશ દેસાઈ, ઈસનપુરના જીગર મોદી તેમજ ખેડા મહેમદાવાદના પારેખ દિવ્યેશ, સ્વિફ્ટ ડિઝાયર કારમાં કેદારનાથ બાબાના દર્શને જવા નીક્ળ્યા હતાં. તા. 10મીના રોજ રૂદ્રપ્રયાગ નજીક કુદરત રૂઠી અને લેન્ડસ્લાઈડિંગ શરૂ થતાં માર્ગ પર અનેક વાહનોને અકસ્માત નડ્યો હતો. આ પૈકી ગુજરાતના આ યાત્રીઓની કાર પર લેન્ડસ્લાઈડ થતાં તેમની કાર દટાઈ ગઈ હતી. ત્યારબાદ પણ ભૂસ્ખલન અને ભારે વરસાદ ચાલુ રહેતાં બચાવકાર્ય ખોરંભાયું હતું.
વાતાવરણ થોડું સાનુકૂળ થતાં ગઈકાલે શુક્રવારે બચાવકાર્ય આરંભાયું હતું. જેમાં ગુજરાતના આ યાત્રીઓની કાર પથ્થરો અને માટી નીચે દબાયેલી મળી આવી હતી. આ ચારેય યાત્રીઓ ઉપરાંત અન્ય એકનું પણ આ ઘટનામાં મોત નીપજ્યું હોવાનું જણાવાયું છે. નોંધનીય છે કે હવામાન વિભાગ દ્વારા ઉત્તરાખંડના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ માટેનું ઓરેન્જ તેમજ રેડ એલર્ટ જાહેર કર્યું હતું.