પુરુષોત્તમ માસમાં કરો ભગવાન વિષ્ણુ અને ભોલેનાથની આરાધના
શાસ્ત્રોમાં પુરુષોત્તમ માસનું વિશેષ મહત્વ છે.પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ દર 3 વર્ષ બાદ એક વખત આવે છે. ચાલુ વર્ષે અધિક શ્રાવણ માસ છે, આથી તેનું ધાર્મિક મહત્વ અનેક ગણું છે. ઉત્તર ભારતમાં 4 જુલાઇથી અધિક માસ શરૂ થયો છે જ્યારે ગુજરાતમાં આગામી 18 જુલાઇ એટલે કે આજે મંગળવારથી પુરુષોત્તમ માસ શરૂ થઈ રહ્યો છે અને 16મી ઓગસ્ટે સમાપ્ત થશે.
ભારતીય કેલેન્ડર મુજબ પ્રત્યેક 3 વર્ષ બાદ વર્ષમાં 12ની જગ્યાએ 13 મહિના આવે છે. આ વધારાના મહિનાને અધિક માસ કહેવાય છે. આવું થવા પાછળનું કારણ સૂર્ય અને ચંદ્ર વર્ષ છે. આ બંનેની ગણતરીમાં આવતો તફાવત 3 વર્ષે અધિકમાસ સ્વરુપે કેલેન્ડરમાં એડ કરવામાં આવે છે.ભારતીય જ્યોતિષ પ્રમાણે પંચાંગ ગણના મુજબ એક સૌર વર્ષમાં 365 દિવસ, 15 ઘડી, 31 પળ અને 30 વિપળ હોય છે. જ્યારે ચંદ્ર વર્ષમાં 354 દિવસ, 22 ઘડી, 1 પળ અને 23 વિપળ હોય છે. આમ સૂર્ય અને ચંદ્ર વર્ષમાં 10 દિવસ,53 ઘડી, 30 પળ અને 7 વિપળનું અંતર પ્રત્યેક વર્ષ દરમિયાન રહી જાય છે. જેને સરભર કરવા માટે અધિક માસની વ્યવસ્થા કરવામાં આવી છે.
પુરુષોત્તમ માસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ મહિનામાં તેમની પૂજાનું વિશેષ મહત્વ રહેલુ છે. વર્ષ 2023માં પુરુષોત્તમ માસ છે અને તે પણ શ્રાવણ માસ. આથી આ વખતે પુરુષોત્તમ માસમાં ભગવાન વિષ્ણુની સાથે સાથે અને ભોલેનાથની પૂજા કરવાનું મહાત્મ્ય રહેશે. પુરુષોત્તમ માસમાં પૂજા-દાનનું વિશેષ મહત્વ છે, જેના થકી તમે અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરી શકો છે. અધિક માસમાં વિધિ-વિધાનની સાથે કરવામાં આવેલ ધર્મ-કર્મથી કરોડ ગણું ફળ મળે છે.
પુરાણોમાં ઉલ્લેખ છે કે, જ્યારે હિરણ્ય કશ્યપને વરદાન મળ્યુ કે તે વર્ષના બાર મહિનામાં ક્યારેય નહી મરે તો ભગવાને અધિકમાસની રચના કરી. ત્યાર પછી જ નરસિંહ અવતાર લઈને ભગવાને તેનો વધ કર્યો. આ મહિનામાં ભગવાન વિષ્ણુના નામનું જપ કરવુ ઘણું જ હિતકારી રહે છે. તેમના જાપ કરવા માત્રથી જ પાપમાંથી મુક્તિ મળી જાય છે.