November 21, 2024

વરિયાવ બળિયાદેવ (બાપજી – ખાટુ શ્યામ) મંદિરે ચૈત્રી પૂનમની ઉજવણી

  • જહાંગીરપુરા નજીકના વરિયાવમાં બળિયા બાપજી સ્વયંભૂ પ્રગટ થયા હતાં, ભક્તો બાવાજી, શિતળા માતા, ખાટુ શ્યામ જેવા અનેક નામોથી શ્રદ્ધા રાખે છે
  • ચૈત્રી પૂનમે બાપજીની સાલગીરી ઉપરાંત જીર્ણોદ્ધાર તેમજ મહાપ્રસાદીનું આયોજન

સુરત શહેરના જહાંગીરપુરા નજીકના વરિયાવ ગામ સ્થિત બળિયાદેવ મંદિરે આગામી તા. 23મી એપ્રિલને ચૈત્રી પૂનમે બાપજીની સાલગીરીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવશે. આ મંદિરનું સત જ કંઈક અનેરૂં છે. બાપજી અહીં બાબેનના સ્વપ્નમાં આવ્યા હતાં અને નજીકના કૂવામાંથી મને કાઢીને મારી સ્થાપના કર, એવો આદેશ આપ્યો હતો. સ્વપ્ન મુજબ કૂવામાંથી બાપજી સ્વયંભૂ પ્રગટ થયા હતાં અને આ સ્થાને બાપજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. હિન્દુ ઉપરાંત અન્ય ધર્મના લોકો પણ આ મંદિરે બાધા માટે આવે છે.

શ્રદ્ધાળુઓ તેમને બળિયાદેવ, બળિયા બાપજી, શિતળા માતા, ઊંટિયાતૂટીયા માતા, ખાટુ શ્યામ જેવા અનેક નામોથી જાણે છે અને શ્રદ્ધાભેર તેમની પૂજા-અર્ચના કરે છે. એટલું જ નહીં, અહીં જે પણ માનતા માનો તે પૂરી થાય છે. ક્રમશઃ આ મંદિરમાં ભક્તોની ભીડ સતત વધી રહી છે અને હવે મંદિર નાનું પડતાં તેના જીર્ણોદ્ધારના પણ પ્રયાસ હાથ ધરાયા છે.

બાપજીમાં અતૂટ શ્રદ્ધા રાખનારા બાવાજી હવન મંડળ દ્વારા આ વર્ષે શ્રી બળિયાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર અને મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ પ્રસંગે બાપજીને વિશેષ શણગાર કરવામાં આવશે. સાથે જ ભવ્ય હવનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે. ભક્તોને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, સાથે જ મંદિરના જીર્ણોદ્ધાર માટે ભક્તોનો યથાશક્તિ ફાળો પણ સ્વિકારવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *