November 25, 2024

હર હર શંભુ ફેમ ફરમાની નાઝનો પરિવાર લૂંટારૂ નીકળ્યો

પોલીસે ઝડપેલી સળિયાલૂંટ ગેંગના આઠ સભ્યો પૈકી એક અરમાન જે ફરમાનીનો સગો ભાઈ, પિતા અને જીજા પણ ગેંગના સભ્યો, પોલીસે વોન્ટેડ જાહેર કરતાં ફરાર થઈ ગયાઃ પતિ અન્ય સ્ત્રી સાથે રહેવા લાગતાં પુત્રની જવાબદારી નીભાવવી પડીઃ કોપીરાઈટ મુજબ યુ-ટ્યુબે ફરમાનીનું હર હર શંભુ ગીત ડિલીટ કર્યુંઃ ચોતરફથી ઘેરાઈ ફરમાની, કેરિયર માટે વ્યથિત

હર હર શંભુ ગીત છેલ્લા ઘણાં સમયથી સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રેન્ડ કરી રહ્યું છે. ગીતની મૂળ ગાયિકા અભિલિપ્ષા પાંડા હતી પરંતુ ત્યારબાદ યુપીના મેરઠની ફરમાની નાઝે પણ આ ગીત પોતાના સ્વરમાં ગાયું અને રાતોરાત સ્ટાર બની ગઈ. અલબત્ત અગાઉના કેટલાક અંતરાયોની જેમ જ તેના જીવનમાં વધુ એક કઠણાઈ આવી ગઈ છે. યુપીની મેરઠ પોલીસે સળિયા લૂંટનારી એક ગેંગના આઠ સભ્યોને ઝડપી પાડ્યા છે. ઝડપાયે પૈકીનો એક ફરમાની નાઝનો સગો ભાઈ અરમાન છે, જ્યારે ફરમાનીના પિતા અને બનેવી પણ આ લૂંટારૂ ટોળકીના જ સભ્યો છે, જેઓ પોલીસની ધરપકડથી બચવા માટે ફરાર થઈ ગયા છે.

ફરમાની નાઝે આ ઘટનાક્રમ અંગે ભારે દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે જ એવી ભીતિ પણ સેવાઈ રહી છે કે આ ઘટનાક્રમની અસર તેની કેરિયરને થશે. નોંધનીય છે કે ફરમાની નાઝનો ભૂતકાળ ખાસ્સો દુઃખદ રહ્યો છે. તેના પતિ સાથે તેને અનબન હતી અને મારપીટ સુદ્ધાં કરતો હતો. ફરમાનીને છોડીને તે અન્ય સ્ત્રી સાથે રહેવા જતો રહ્યો, જેથી બાળકને ઉછેરવાની તમામ જવાબદારી ફરમાનીના શિરે આવી ગઈ છે.

ફરમાનીએ સિંગર તરીકેની પોતાની કેરિયર ઈંડિયન આઈડોલથી શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં તે સિલેક્ટ પણ થઈ ગઈ પરંતુ તેણે અધવચ્ચેથી જ શો છોડવો પડ્યો હતો. અલબત્ત સોશિયલ મીડિયાએ ફરમાનીની કિસ્મત બદલી નાંખી અને તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. તેણે ભજનો ગાવા પણ શરૂ કર્યાં પરંતુ મુસ્લિમ કટ્ટરપંથીઓએ તેનો ખુલીને વિરોધ કર્યો અને ધમકીઓ પણ આપી. ફરમાનીએ તમામ વિરોધોને અવગણીને પોતાની ગાયકીની પ્રવૃત્તિ ચાલુ રાખી અને તેના અનેક ગીતો રિલીઝ થયા, પ્રસિદ્ધ પણ થયા.

હવે એવું જાણવા મળ્યું છે કે ફરમાનીએ ગાયેલું હર હર શંભુ યુ-ટ્યુબે ડિલીટ કરી નાંખ્યું છે. તેની પાછળ કોપીરાઈટનું કારણ અપાયું છે. કારણકે આ ગીત પહેલાં અભિલિપ્ષા પાંડેએ ગાયું હતું અને લખનાર પણ તેની સાથેનો હતો. જેથી ફરમાનીને આ એક આંચકો મોટો લાગ્યો હતો. હવે જ્યારે તેનો પરિવાર સળિયા લૂંટ જેવા ગુનામાં પોલીસના ચોપડે ચઢ્યો છે ત્યારે ફરમાનીને વધુ મોટો ઝટકો લાગ્યો છે અને તે પોતાની કેરિયર માટે ચિંતિત દેખાઈ રહી છે.

નોંધપાત્ર છે કે યુપીની મેરઠ પોલીસે આજે જ એક મહત્વનું ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં છેલ્લા ઘણાં સમયથી સરગના તેમજ સરસપુરની કન્સ્ટ્રક્શન સાઈટ પરથી સળિયાની લૂંટ કરતી ટોળકીને આઠ સભ્યોને 200 કિલો સળિયા તેમજ સળિયા લઈ જવા માટે વપરાતા એક ટેમ્પો સાથે ઝડપી પાડ્યાં હતાં. આ લૂંટ કરવામાં ફરમાનીના ભાઈ અરમાનની પણ અહમ્ ભૂમિકા હતી. જ્યારે લૂંટના માલને વગે કરવામાં એટલે કે વેચવામાં ફરમાનીના પિતા તેમજ તેના બનેવીની મિલીભગત બહાર આવતાં પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો