November 23, 2024

સુરત સહિત સમગ્ર રાજ્ય માવઠાની ચપેટમાં: 14ના મોત

photo credit google
photo credit gujarat updat

રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે સુરત સહિત સમગ્ર જિલ્લામાં આજે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદે માઝા મુકતાં શિયાળાની ઋતુમાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે ત્યારે સુરત જિલ્લા સહિત રાજ્યભરમાં ઠેર-ઠેર નુકસાન સર્જાયું છે. વહેલી સવારથી જ ભારે પવન અને ગાજવીજ સાથે ત્રાટકેલા વરસાદને પગલે કાચા મકાનોને નુકસાન થવા પામ્યું છે તો બીજી તરફ ઠેર-ઠેર રસ્તા પર વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે ત્યારે અનેક જગ્યાએ વીજળી વેરણ બનીને ત્રાટકી હતી જેને પગલે રાજ્યમાં 14 લોકોએ જીવ ગુમાવ્યો છે.

કમોસમી વરસાદને પગલે જ્યાં ખેડુતોના જીવ પડિકે બંધાયા છે ત્યારે વીજળી પડવાથી અનેક પશુઓના પણ મોત થયાં હતા જ્યારે કેટલીક જગ્યાએ આગ પણ લાગી છે. ત્યારે મહેસાણાના કડી, અમરેલીના જાફરાબાદ, બોટાદના બરવાળા તેમજ ભરૂચ, સુરેન્દ્રનગર, સાબરકાંઠાના ઈડર, તાપી, દાહોદ, બાવળા અને વિરમગામમાં પણ વીજળી પડવાથી મોત થયા છે તો બીજી બાજુ ભારે પવનના કારણે મહેસાણામાં ઝાડ નીચે દબાઈ જતાં એક રીક્ષા ચાલકનું મોત થયું છે. આ ઉપરાંત સુરતના બારડોલીમાં મઢી ગામે એક ખેતરમાં વીજળી પડતા એકસાથે આઠ જેટલી મહિલાઓ દાઝી જવાનો બનાવ બન્યો છે આ મહિલાઓને બારડોલીની સરદાર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ છે. જેમાં 4 મહિલાઓને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ જ્યારે 4 પેકી ની હાલત ગંભીર હોવાથી સુરત સિવિલ ખાતે ખસેડાઈ છે. ઘોઘાવાવ ગામમાં વીજળી પડવાથી 10 બકરીઓના મોત થયા ત્યારે અધિકારીઓ દ્વારા ઘટના સ્થળ પર પંચનામુ કરી પશુઓના પોસ્ટમોર્ટમ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી.

રાજ્યમાં આજે ઠંડીના ચમકારા વચ્ચે વરસેલા માવઠાને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે ત્યારે વાતાવરણમાં વિઝિબ્લિટી ઘટી ગઈ છે જેના કારણે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે લોકોએ બહાર નિકળવા માટે ફરજિયાત છત્રી અને રેઈનકોટને અભરાઈ પરથી ઉતારવાની ફરજ પડી હતી. જો કે આ બધાની વચ્ચે લગ્નોના આયોજનો પર પાણી ફરી વળ્યુ હતુ અને કેટલાંક લગ્નો તો રદ પણ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેછે.

આજે વરસેલાં માવઠા દરમિયાન રાજ્યના કેટલાંક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા જેથી હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો જેથી સહેલાણીઓએ ગુજરાતમાં જ શિમલાનો અનુભવ કર્યો હતો. જો કે,હવામાન દ્વારા આવતી કાલે પણ વરસાદની આગાહી કરતાં ખેડુતોમાં શેરડી, શાકભાજી, કપાસ સહિતના પાકોને નુકસાનની ભીતી સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો