Dog bite:સુરતના બારડોલીમાં હડકાયાં કુતરાએ 12 જણાંને ભર્યા બચકાં
સુરત શહેરમાં રખડતાં કુતરાઓ દ્વારા બચકા ભરવાની ઘટનાઓ સતત સામે આવતી રહે છે ત્યારે સુરતના બારડોલીમાં 12થી વધુ લોકોને હડકાયાં કુતરાએ બચકાં ભરી લેતા તમામને હૉસ્પિટલમાં સારવાર લેવાની નોબત આવી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતના બારડોલીમાં હડકાયાં કુતરાઓએ 12 થી વધુ લોકોને બચકાં ભરી લેતા તમામની હાલત ગંભીર થઇ ગઈ હતી અને જેને પગલે હાલમાં આ તમામ લોકોને હૉસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. બારડોલીના ધૂળિયા ચોકડી સહિતના અલગ-અલગ વિસ્તારમાં હડકાયાં કુતરા દ્વારા બચકાં ભરવાના બનાવો બન્યા છે. જેમાં 6 જેટલા વ્યક્તિઓને સરદાર હૉસ્પિટલમાં તેમજ અન્યોને અલગ-અલગ હૉસ્પિટલોમાં સારવાર અપાઈ રહી છે. આ ઘટના સાથે જ પાલિકાતંત્ર જાગ્યું છે અને હડકાયાં કુતરાને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
રસ્તા પર રખડતા કૂતરાઓ ઘણીવાર પસાર થતાં લોકોને કરડે છે અને જો તેની યોગ્ય સારવાર કરવામાં ન આવે તો તે વધુ જોખમી બની શકે છે. કારણ કે, જો ડોગ બાઈટ ઈન્જેક્શન યોગ્ય સમયે ન આપવામાં આવે તો હડકવા જેવી બીમારી થાય છે અને દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. તેથી, જો કોઈ કૂતરો કરડે તો બેદરકાર ન રહેતાં તો પ્રથમ વસ્તુ એ ભાગને ધોઈ નાખવો જોઈએ અને પછી ટિટાનસનું ઈન્જેક્શન પણ પહેલી તકે લઈ લેવું જોઈએ.