November 22, 2024

શાળામાં બાળકોને પાવડા-તગારાથી મજૂરીકામની સજા? શરમજનક ઘટના

  • ભાઠેનાની પ્રાથમિક શાળાના શિક્ષક બન્યા બેરહેમ, જે બાળકો મોડા આવ્યા તેમને કાયદાની ઐસી તૈસી કરી બાંધકામની મજૂરીએ લગાડી દીધાં
  • વિડીયો વાયરલ થતાં પૂર્વ કોંગ્રેસી કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ શિક્ષક વિરુદ્ધ સખ્ત કાર્યવાહીની માંગ કરી

સુરતમાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં શાળાના કેટલાક બાળકો પાસે પાવડા, તગારા સાથે બાંધકામને લગતું મજૂરીકામ કરાવાઈ રહ્યું છે. ગરીબ, શ્રમજીવી પરિવારના આ માસૂમ બાળકો આવું શોખથી નથી કરી રહ્યાં, પરંતુ તેમને તેમના શિક્ષકે સજા કરી હતી, તે પણ માત્ર મોડા આવવાની. વાયરલ વિડીયોને પગલે અરેરાટી સાથે જ શાળાના શિક્ષક સામે આક્રોશ ફેલાયો છે. કોંગ્રેસ અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ શિક્ષકને સખ્ત અને દાખલારૂપ સજા આપવા શાસનાધિકારીને રજુઆત કરી છે.
ગરીબ શ્રમિક સ્લમ વસાહત રઝા નગર – ભાઠેના વાડીવાલા દરગાહ પાછળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર ૨૯ (કુમાર) અને ૭૫ (કન્યા) ઉર્દુ માધ્યમની શાળાઓ કાર્યરત છે. ગઈકાલે સવારે શાળા નંબર ૨૯ (કુમાર) ઉર્દુ માધ્યમનાં વીડિયો ક્લિપમાં દેખાય છે એ વિદ્યાર્થીઓ શાળા સમય કરતા થોડા મોડા પહોંચ્યા હોવાથી સદર શાળાનાં આચાર્ય અને શિક્ષક દ્વારા ગરીબ શ્રમિક પરિવારનાં વિદ્યાર્થીઓ સાથે સરમુખત્યારશાહી વલણ રાખી વિદ્યાર્થીઓ પાસે શાળામાં મોડા પહોંચ્યાની શિક્ષા પેટે આ શાળા ભવનની બાજુમાં સાઉથ – ઈસ્ટ (લિંબાયત) ઝોન – સુરત મહાનગરપાલિકા દ્વારા નવા વર્ગ રૂમ બનાવવા માટેનું કાર્ય પ્રગતિ હેઠળ ચાલી રહ્યું હોય, એ કામનાં સ્થળ પર જાહેરમાં “બાળ મજુરી” કરાવવાની શિક્ષા કરતો વીડિયો ક્લિપ ગઈકાલથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ વિદ્યાર્થીને જાહેરમાં આવી શિક્ષા કરવા એ ગંભીર ગુનો છે તેમજ “બાળ મજુરી” કરાવવી એ ગુજરાત સરકારનાં શ્રમ વિભાગનાં કાયદા મુજબ સજાપાત્ર ગુનો છે. જેથી એક જવાબદાર આચાર્ય અને શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને આવી જાહેર સજા કરવા બદલ એમની ગંભીર ગુનાહિત બેદરકારી તેમજ સરમુખત્યારશાહી જેવા જાલીમ વલણ રાખતા હોય આવા કર્મચારીને તાત્કાલિક અસરથી એમની ફરજમાંથી સસ્પેન્ડ (ફરજ મૌકુફ) કરવામાં આવે. ઉપરાંત નવા વર્ગ રૂમ બનાવનાર કોન્ટ્રાકટર દ્વારા સ્થળ પર ચાલુ શાળા હોવા છતાં વીડિયો ક્લિપમાં સ્પષ્ટ દેખાય છે કે, સ્થળ પર કોઈપણ પ્રકારની સુરક્ષાનો સંપૂર્ણપણે અભાવ હોય કામમાં બેદરકાર કોન્ટ્રાકટર વિરુદ્ધ પણ દાખલારૂપ કાર્યવાહી કરવા મારી માંગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *