સાસુ-વહુનો કપડાં પહેરવાની પસંદગીનો મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
આજના આધુનિક જમાનમાં લગ્ન બાદ પણ વહુઓ જીન્સ-ટી શર્ટ સહિતના આધુનિક વસ્ત્રો પહેરતી હોય છે, ને આ કારણે ઘણીવાર પરિવારજનોની ટીકાનો ભોગ પણ બનવું પડે છે ત્યારે આગ્રાના એક પરિવારમાં આનાથી ઉલટો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં સાસુ અને તેના પતિ ઈચ્છે છે કે પુત્રવધૂ જીન્સ અને ટી-શર્ટ પહેરે, પરંતુ તેણે સાડી જ પહેરવાની જીદ કરતાં તેના સાસરિયાંઓએ તેને માર માર્યો હતો ત્યારે આ મહિલાએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં સમગ્ર કિસ્સો સામે આવ્યો છે.
આગ્રાના ગ્રામીણ વાતાવરણમાંથી લગ્ન કરીને શહેરમાં આવેલી પુત્રવધૂને તેના સાસરિયાંઓ દ્વારા જીન્સ અને ટી-શર્ટ પહેરવાનું દબાણ કરવામાં આવે છે પરંતુ તેને સાડી પહેરવું પસંદ છે. જો કે આ બાબતે તેના સાસરિયાંઓ તેને મહેણાં ટોણાં મારતાં હતા તેમજ પતિએ તેને માર મારવાનું શરૂ કરતાં પુત્રવધૂએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી ત્યારે મામલો ફેમિલી કાઉન્સેલિંગ સુધી પહોંચ્યો હતો પરંતુ બંને પક્ષો વચ્ચે કોઈ સમજૂતી થઈ શકી નથી.
એતમાદપુર વિસ્તારના એક ગામની યુવતીના લગ્ન શહેરના હરિપર્વત વિસ્તારમાં લગ્ન થયા હતા. યુવતીનો પતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને સાસરીવાળાઓ આધુનિક વિચારસરણીવાળા છે જેથી સાસરિયાંઓ પશ્ચિમી સંસ્કૃતિના કપડાં પહેરે છે તો પુત્રવધૂને પણ આવા જ કપડાં પહેરાવવાનો આગ્રહ રાખે છે. જો કે યુવતી સાસરિયાંના ઘરે સાડી પહેરે છે અને તેની સાસુએ જીન્સ અને ટી-શર્ટ માટે આગ્રહ કર્યો ત્યારે તેણે સ્પષ્ટ ના પાડી દીધી. તેનો પતિ તેના માટે બજારમાંથી જીન્સ અને ટી-શર્ટ પણ લાવ્યો હતો, પરંતુ તેણે જીન્સ પહેરવાની ના પાડી દીધી હતી અને આ અંગે યુવતીએ તેના માતા-પિતાને જાણ કરતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.