November 22, 2024

સત્યેન્દ્ર જૈન ફિઝિયોથેરાપિસ્ટ પાસે નહીં, રેપિસ્ટ પાસે મસાજ કરાવતાં હતાં?

તિહાડ જેલમાં વાઈરલ વીડિયો અંગે થયો મોટો પર્દાફાશઃ મની લોન્ડરિંગ કેસમાં તિહાડ જેલમાં બંધ આમ આદમી પાર્ટીના મંત્રી સત્યેન્દ્ર જૈન સગીર ઉપર બળાત્કારના કેસમાં જેલમાં સજા કાપી રહેલાં કેદી પાસે મસાજ કરાવતાં હતાંઃ મનિષ સિસોદીયાએ જૈનના સમર્થનમાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે બચાવ કર્યો હતો

આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનનો તિહાડ જેલની બેરેકમાં મસાજ કરાવતાં હોવાનો વીડિયો વાઈરલ થયો હતો અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી તેમજ આપ નેતા મનિષ સિસોદીયાએ, જૈનને ઈજા થઈ હોવા ઉપરાંત તેમને જેલમાં ફિઝિયોથેરાપી અપાઈ રહ્યો હોવાનો લૂલો બચાવ કર્યો હતો. જો કે હવે આ વાઈરલ વીડિયોમાં એક નવો ખુલાસો સામે આવ્યો છે અને જૈનને મસાજ કરનાર કોઈ ફિઝિયોથેરાપિસ્ટ નહીં પરંતુ બળાત્કારના ગુનાનો કેદી હતો.

મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈન સામે ED દ્વારા ગુનો નોંધાયો હતો અને તેમને તિહાડ જેલમાં રાખવામાં આવ્યા છે. અલબત્ત થોડા દિવસો પૂર્વે એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં તિહાડ જેલની બેરેકમાં સત્યેન્દ્ર જૈન કોઈ વ્યક્તિ પાસે મસાજ કરાવી રહ્યાં છે. જેથી ભાજપ સહિતના નેતાઓએ આમ આદમી પાર્ટી સામે મોરચો ખોલ્યો હતો અને તિહાડ જેલમાં આપ નેતાને લક્ઝુરિયસ સવલતો અપાતી હોવાના આક્ષેપ કર્યાં હતાં.

જે અંગે આપ નેતા તેમજ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ એવો બચાવ કર્યો હતો કે સત્યેન્દ્ર જૈનને ફ્રેક્ચર થયું હતું અને તેમને ફિઝિયોથેરાપીની સલાહ આપવામાં આવી હતી. સિસોદીયાએ ત્યાં સુધી કહ્યું હતું કે જૈનને જેલમાં મેડિકલ સારવાર એટલે કે ફિઝિયોથેરાપી અપાઈ રહી છે અને ભાજપ નેતાઓ એક દર્દીને અપાતી સારવાર અંગે ક્રૂર મજાક કરી રહ્યાં છે.

હવે એવો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે જૈનને જેલમાં મસાજ આપનારો કોઈ ફિઝિયોથેરાપિસ્ટ નહીં પરંતુ બળાત્કારનો આરોપી છે. મસાજ કરનારની ઓળખ રિન્કુ તરીકે થઈ છે. પોક્સો અધિનિયમની ધારા 6 અને IPCની કલમ 376, 506 અને 509 હેઠળ તેના વિરુદ્ધ ગુનો નોંધાયો છે, જેમાં તે તિહાડ જેલમાં બંધ કરાયો છે.

સત્યના આ પર્દાફાશથી મનિષ સિસોદીયા સહિતના આપ નેતાઓની હાલ તો બોલતી બંધ થઈ ગઈ છે અને ભાજપને ભાણે ભાવતું મળી ગયું છે. ભાજપે ફરીથી આપ નેતાઓને ટારગેટ કરવા શરૂ કર્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો