સુરતમાં સિમ્ગા સ્કૂલ ખાતે શિક્ષક તાલીમ સેમિનાર યોજાયો
- વક્તા અને ટ્રેઈનર ઈરફાનભાઈ મોગલ દ્વારા સુંદર માર્ગદર્શન અપાયું
- અદ્યતન ટેક્નોલોજીના યુગમાં વિદ્યાર્થીઓની અપેક્ષાઓ કઈ રીતે સંતોષવી તેનું પ્રેઝન્ટેશન
- હાર્ડવર્ક અને સ્માર્ટવર્ક ઉપર ભાર મુક્યો, વર્ગખંડમાં શિક્ષકોને પડતી મુશ્કેલીઓ અંગે પણ સમાધાન આપ્યું
સિમ્ગા સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા સિમ્ગા સ્કૂલમાં તારીખ: 17-12-2022 શનિવારના રોજ “શિક્ષક તાલીમ સેમિનાર”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મુખ્ય વક્તા અને ટ્રેઈનર તરીકે ગુજરાતના જાણીતા અને નામાંકિત શ્રીમાન ઈરફાનભાઈ મોગલસાહેબને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળાના તમામ શિક્ષકોને પ્રોત્સાહિત કરવાનો હતો. આજના ટેકોનોલોજીના યુગ પ્રમાણે અને આજના વિદ્યાર્થીઓની અપેક્ષાને કેવી રીતે સંતોષવી એ અંગે શ્રી ઈરફાનભાઈ મોગલ સાહેબે પ્રસંગને અનુરૂપ પ્રેરક વાર્તાઓ કહી, નામાંકિત વ્યક્તિઓના ઉદાહરણો આપી અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ખૂબ જ સરળ અને અસરકારક રીતે માર્ગદર્શન આપ્યું હતું. શિક્ષકો પાસે જુદી-જુદી પ્રવૃત્તિ કરાવી સેમિનારને જીવંત બનાવ્યો હતો. શિક્ષકોએ પૂછેલા પશ્નોના યોગ્ય ઉત્તરો આપ્યા હતા. વર્ગખંડમાં શિક્ષકોને પડતી મુશ્કેલીઓ અંગે તેમણે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. તેમણે હાર્ડવર્ક તેમજ સ્માર્ટવર્ક પર ભાર આપ્યો હતો. આ સેમિનારથી શિક્ષકો ખૂબ પ્રોત્સાહિત થયા હતા. આ રીતે કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો. આ પ્રસંગે સિમ્ગાના ભૂતપૂર્વ પ્રમુખશ્રી અને કો-ફાઉન્ડરશ્રી એ.યુ. સૈયદસાહેબે પણ હાજરી આપી હતી. આ પ્રસંગે ડૉ.ઈકબાલ સૈયદસાહેબે 1974થી કાર્યરત સિમ્ગા સ્કૂલ અંગે અને સિમ્ગાએ મેળવેલી સિદ્ધીઓ અંગે માહિતી આપી હતી. સેમિનારના સફળ આયોજનનું શ્રેય શાળાના પ્રમુખશ્રી ડૉ. ઈકબાલ એ. સૈયદ, ઉપ પ્રમુખશ્રી શફી એન, જરીવાલા, ઓન સેક્રેટરીશ્રી મઝહર એ, નાતાલવાલા, જોઈન્ટ સેક્રેટરીશ્રી મુઝફ્ફર આઈ. નાતાલવાલા, ડૉ, એજાઝ આઈ. પઠાણ અને સિગ્ગા મેનેજમેન્ટના તમામ સભ્યોને જાય છે. આભારવિધિ સિમ્ગાના ઉપપ્રમુખશ્રી શફી એન. જરીવાલાસાહેબે કરી હતી.