આજે પણ રાહત નહિ:હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી
રાજ્યમાં ચોમાસાના એક માસમાં જ સિઝનનો 69.97ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો વરસાદ સિઝનની સરેરાશને પણ વટાવી ગયો છે. હાલમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર યથાવત્ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યનો મોટાભાગનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે આજે પણ ગુજરાતના 4 જિલ્લા દ્વારકા,રાજકોટ,ભાવનગર અને વલસાડમાં પણ ભારેમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ આજે જામનગર, પોરબંદર,જૂનાગઢ, અમરેલી અને સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. તો આણંદ, વડોદરા અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી સાથે જ સુરત અને નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ હવામાન વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ભારે વરસાદને પગલે મોટાભાગના ડેમો છલકાઈ ગયા છે ત્યારે તાપીના ઉકાઈ ડેમના ઉપરવાસ મહારાષ્ટ્રમાંથી ભરપૂર પાણીની આવક થઈ રહી છે. મહારાષ્ટ્રના હાથનુંર ડેમના 41 દરવાજાઓ ખોલી 91,395 ક્યુસેક પાણી અત્યાર સુધી છોડાયું છે. જ્યારે પ્રકાશા ડેમના 16 દરવાજાઓ ખોલીને 1,96,079 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. આ કારણે ઉકાઈ ડેમમાં 2,03,473 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેને લઈ ઉકાઈ ડેમની સપાટી 323.73 ફૂટ પર પહોંચી ગઈ છે. ઉકાઈ ડેમમાંથી 1000 ક્યુસેક પાણી નહેર વાટે છોડાઈ રહ્યું છે. જો કે ડેમનું રુલ લેવલ 333 ફૂટ જ્યારે ભયજનક સપાટી 345 ફૂટની છે.આ ઉપરાંત રાજકોટ જિલ્લાને પાણી પૂરૂ પાડતો ભાદર ડેમ ઓવરફ્લો થયો હતો જેને કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવતા 22 ગામોને એલર્ટ કરાયા છે.