November 27, 2024

યુપીના યુવકે સોશિયલ મીડિયામાં પોતાને કટ્ટર હિન્દુ ગણાવ્યો, અન્ય ધર્મના ટોળાએ માર માર્યો

ફર્રુખાબાદની ઘટના, પહેલાં સોશિયલ મીડિયા ઉપર ધમકી આપી અને બાદમાં પચાસેક લોકોના ટોળાએ જાહેર રોડ પર આંતરીને ઢોર માર માર્યોઃ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ફરિયાદ નોંધી, આરોપીઓની ધરપકડનો દૌર શરૂઃ બજરંગ દળના કાર્યકરોએ પોલીસ મથકનો ઘેરાવ કરતાં જવાનો સાથે ઘર્ષણ થયું

ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદમાં શમશાબાદ થાણા વિસ્તારમાં રહેતાં મોહિત રાજપૂત નામના એક યુવકે પોતાના વોટ્સ એપ તેમજ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં કટ્ટર હિન્દુ લખ્યું હતું. જેને પગલે તેને તુરંત સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકી મળવી શરૂ થઈ ગઈ. એટલું જ નહીં, એક ચોક્કસ ધર્મના લોકોએ તેને રસ્તા વચ્ચે આંતરી તેને ઢોર માર માર્યો હતો. સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને પગલે ખળભળાટ મચી ગયો હતો અને વાત પોલીસ સુધી પહોંચી હતી.

યુવકના પરિવાર તેમજ બજરંગ દળના અગ્રણીઓએ પોલીસ મથકે પહોંચી હુમલાખોરો વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી, જ્યાં બજરંગ દળના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. વાત વણસે તેવું લાગતાં પોલીસે તુરંત પીડિત યુવક મોહિતની ફરિયાદ લીધી હતી અને કેટલાક નામજોગ યુવકો ઉપરાંત 50 જેટલાં લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી ચારેક આરોપીઓની ધરપકડ સુદ્ધાં કરી લીધી છે. મોહિતનું કહેવું છે કે તેને એવી ધમકી મળી હતી કે અમે કોઈ કટ્ટર હિન્દુને શમશાબાદમાં રહેવા દઈશું નહીં અને ત્યારબાદ તે બજારમાં પહોંચ્યો ત્યારે તેને માર મારવામાં આવ્યો હતો. અલબત્ત પોલીસ તેને સામાન્ય મારામારીની ઘટના ગણાવી રહી છે અને તેને સંલગ્ન ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર શમશાબાદ ઉપરાંત ફર્રુખાબાદ વિસ્તારમાં આ ઘટનાને પગલે આક્રોશ જોવા મળી રહ્યો છે અને કોમી તંગદિલી વણસે તેવું લાગતાં પોલીસ એલર્ટ પર આવી ગઈ છે. પોલીસે સમગ્ર ફર્રુખાબાદ વિસ્તારમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો