દિલ્હીમાં પૂર જેવી સ્થિતિ, CM નિવાસ સ્થાન નજીક પહોચ્યું પાણી
પહાડી રાજ્યોમાં વરસાદને કારણે દિલ્હીમાં યમુનાના જળસ્તરમાં આગામી કેટલાક દિવસો સુધી સતત વધારો થવાની સંભાવના છે. જો આમ થશે તો પૂરના પાણી દિલ્હીના અન્ય વિસ્તારોમાં પણ પ્રવેશી શકે છે.
દિલ્હીમાં યમુનાનું જળસ્તર વધવાને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. દિલ્હીની બોટ ક્લબમાં પાણી ભરાવાને કારણે ત્યાં આવતા લોકોને બોટનો ઉપયોગ કરવાની ફરજ પડી છે. હાલમાં રાજધાનીમાં યમુનાનું જળસ્તર 208.46 મીટરે પહોંચી ગયું છે, જે પોતાનામાં એક રેકોર્ડ છે. બુધવારે રાત સુધી યમુનાનું જળસ્તર 208.05 મીટર હતું. યમુનામાં વધી રહેલા આ જળસ્તરને જોતા વહીવટીતંત્ર પણ એલર્ટ થયું છે, જેના ભાગરુપે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની ઈમરજન્સી બેઠક બોલાવી છે.
ઉલ્લેખનિય છે કે, યમુનાનું પાણી સીએમ અરવિંદ કેજરીવાલના ઘરની એકદમ નજીક પહોંચી ગયું છે. જો યમુનાનું જળસ્તર આમ જ વધતું રહ્યું તો આગામી દિવસોમાં પૂરના પાણી મુખ્યમંત્રીના નિવાસસ્થાનમાં પણ પ્રવેશી શકે છે. જોકે, હાલમાં પૂરના પાણી મુખ્યમંત્રીના નિવાસસ્થાનથી લગભગ 500 મીટર દૂર છે.
ત્યારે હવામાન વિભાગ દ્વારા પર્વતીય રાજ્યોને લઈને જાહેર કરવામાં આવેલી ચેતવણીમાં હવામાન વિભાગે કહ્યું છે કે પર્વતીય રાજ્યોમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદ ચાલુ રહેશે. જો આમ થશે તો પહાડી નદીઓ તેમજ દિલ્હી અને આસપાસના મેદાનોમાંથી પસાર થતી નદીઓના જળસ્તરમાં વધારો થઈ શકે છે.