મોરબીમાં મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તૂટી પડતાં 100 જેટલા લોકો નદીમાં ખાબક્યા
140 કરતાં પણ વધુ વર્ષ જુના ઐતિહાસિક પુલના વચ્ચેથી ટૂકડા થઈ ગયા, દુર્ઘટના સમયે 400 જેટલા લોકો હતાં, કેટલાક નદીમાં તો કેટલાક નીચે પટકાયાઃ નદીમાં ડુબેલા લોકોને બચાવવા યુદ્ધના ધોરણે અભિયાનઃ રિનોવેશન બાદ થોડા દિવસો પૂર્વે નવા વર્ષે જ ઉપયોગ માટે ખુલ્લો મુકાયો હતો
ગુજરાતમાં એક મોટી દુર્ઘટના બની છે. મોરબીમાં મચ્છુ નદી ઉપર બનાવાયેલો ઐતિહાસિક ઝુલતો પુલ આજે મોડી સાંજે તુટી પડ્યો હતો. દુર્ઘટના સમયે અંદાજે 400 જેટલા લોકો પુલ ઉપર હતાં જે પૈકી 100 જેટલા લોકો નદીમાં પડ્યાં હતાં જ્યારે અન્ય નીચે પટના ભાગે પટકાયા હતાં. ઘટનાની જાણ થતાં યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ આજે મોડી સાંજે મોરબીમાં મચ્છુ નદી ઉપરનો ઝુલતો પુલ તુટી પડ્યો હતો. પુલ ઐતિહાસક હોવાથી અને રજાનો દિવસ હોવાથી સહેલાણીઓની સંખ્યા વધુ હતી અને અંદાજે 400 જેટલા લોકો પુલ ઉપર હાજર હતાં. સાંજે સાતેક વાગ્યાના સુમારે પુલના વચ્ચેથી જ કટકાં થઈ ગયા હતાં અને પુલ ઉપરના લોકો નીચે પટકાયા હતાં. જાણકારી મુજબ 100 જેટલા લોકો નદીમાં ખાબક્યા હતાં જ્યારે અન્ય સહેલાણીઓ નદીના પટ સહિતના નીચેના ભાગે પટકાયા છે.
બનાવની જાણ થતાં સરકારી તંત્ર યુદ્ધના ધોરણે કામે લાગી ગયું છે. નદીમાં ડુબેલા અંદાજે 100 જેટલા લોકોને ઉગારી લેવા માટે અભિયાન શરૂ કરી દેવાયું છે. જ્યારે ઈજાગ્રસ્તોને સારવારાર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યાં છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી યુદ્ધના ધોરણે બચાવ કામગીરીના આદેશ આપ્યા છે. સાથે જ તેઓ કામગીરીનું સતત મોનિટરીંગ પણ કરી રહ્યાં છે.
નોંધનીય છે કે મચ્છુ નદી પરનો આ પુલ અંગ્રેજોના કાળમાં અંદાજે 1879માં બનાવાયો હતો. હાલનો આ પુલ 140 કરતાં પણ વધુ વર્ષો જુનો છે અને તે બિસ્માર થઈ જતાં તેને વપરાશ માટે બંધ કરાયો હતો. સાતેક મહિનાની રિનોવેશનની કામગીરી બાદ થોડા દિવસો પૂર્વે જ હિન્દુઓના નૂતન વર્ષના દિવસે તેને ફરીથી ઉપયોગ માટે ખુલ્લો મુકાયો હતો.