ટામેટાના વધતા ભાવ વચ્ચે કેન્દ્રનો નિર્ણય:શુક્રવારથી ગ્રાહકોને મળશે રાહત
રસોઈમાં જરુરી એવાં ટામેટાના વધતા ભાવના કારણે ઘણાં લોકોએ ભાણામાંથી ટામેટાંને બાકાત કરી દીધાં છે ત્યારે કેન્દ્રએ આ અંગે મોટો નિર્ણય લીધો છે. જેથી હવે શુક્રવારથી ગ્રાહકોને રાહત મળી શકે છે.
આ અન્તર્ગત કેન્દ્રએ નાફેડ, NCCFને મુખ્ય વપરાશ કેન્દ્રોમાં વિતરણ માટે આંધ્ર, કર્ણાટક, મહારાષ્ટ્રમાંથી ટામેટાં ખરીદવાનો આદેશ આપ્યો છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર શુક્રવારથી દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં ગ્રાહકોને સબસિડીવાળા ભાવે રિટેલ આઉટલેટ્સ દ્વારા ટામેટાંનું વિતરણ કરવામાં આવશે.
દેશના ઘણા ભાગોમાં ટામેટાના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયા છે. જથ્થાબંધ મંડીઓમાં પણ તેની કિંમત 150 થી 180 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. બજારના જાણકારોના મતે છેલ્લા પખવાડિયામાં જ બજારમાં ટામેટાંના ભાવ ચાર ગણા અને કેટલીક જગ્યાએ તેનાથી પણ વધી ગયા છે. જૂનની શરૂઆતમાં જે ટામેટાં બજારમાં તેની ગુણવત્તાના આધારે 30 થી 40 રૂપિયાના ભાવે વેચાતા હતા તે હવે 100 થી 180 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે