ફિઝીયોથેરાપી કેન્સરના દર્દીઓની કાર્યક્ષમતા વધારવામાં મદદરુપ:ડો.નિશાંત તેજવાણી
કેન્સર એ એવો રોગ છે જેનું નામ સાંભળીને જ લોકો ફફડી ઉઠે છે, ત્યારે કલ્પના કરો કે, જે વ્યક્તિઓને આ રોગ લાગુ પડ્યો હોય એમની પરિસ્થિતિ કેવી થતી હશે! તેઓ માનસિક રીતે તો પડી જ ભાંગે છે અને જો બીમારી લાસ્ટ સ્ટેજ પર હોય તો અસહ્ય યાતનાને અંતે તેમણે દેહ છોડવો પડે છે. જો કે, જેઓ આ રોગ સામે જંગ જીતી જાય છે એમના માટે પણ આગળનું જીવન કપરું તો હોય જ છે. પીડાદાયક ટ્રીટમેન્ટમાંથી પસાર થયા પછી સામાન્ય જીંદગીની શરુઆત કરતાં તકલીફોનો સામનો કરવો જ પડે પણ તેમની તકલીફ ઓછી થાય એ માટે ફિઝીયોથેરાપી તેમની વહારે આવે છે. તો, 4 ફેબ્રુઆરી ‘વર્લ્ડ કેન્સર ડે’ નિમિત્તે આ અંગે સુરતની નવી સિવિલ હોસ્પિટલના સિનિયર ફિઝિયોથેરાપિસ્ટ ડો. નિશાંત તેજવાણી જણાવે છે કે, કેવી રીતે કેન્સરગ્રસ્ત દર્દીઓ માટે ફિઝિયોથેરાપી મદદરુપ થાય છે.
ફિઝીયોથેરાપી દરેક પ્રકારના કેન્સરના દર્દીઓમાં સર્જરી પહેલા,સર્જરી પછી, કીમો થેરાપી અને રેડીએશનની સારવાર દરમિયાન તથા સારવાર પછી કેન્સરના દર્દીઓની કાર્ડીઓપલ્મોનરી એટલે કે હૃદય અને ફેફસાની કાર્ય ક્ષમતા જાળવવા અને અને ઘટી ગયેલી ક્ષમતાને પાછી સુધારવામાં ખૂબ મોટો ભાગ ભજવે છે.
વિવિધ પ્રકારની બ્રીથીંગ એક્સરસાઇઝ જેમકે સેગમેંટલ, પર્સ્ડ લિપ્સ, ડાયાફ્રેગ્મેટીક, ગ્લોસોફેરેન્યજીયલ ટેકનીકથી ફેફસાની ક્ષમતા વધારી શકાય છે જેથી કેન્સરના દર્દીને થતી શ્વાસની તકલીફો જેમ કે શ્વાસ ચડવો, થાક લાગવો, ઓક્સિજનનું પ્રમાણ ઘટી જવું વગેરે જેવી પરિસ્થિતિમાં મદદરુપ થાય છે.
એરોબિક એક્સરસાઇઝ અને એન્ડોરન્સ ટ્રેનિંગ દ્વારા દર્દીની હૃદય અને ફેફસાની ક્ષમતા વધારી શકાય છે જેથી એને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને બ્લડ સર્ક્યુલેશન દ્વારા શરીરના બધા જ કોષોને પોષકતત્વો મળી શકે જેથી હીલિંગ પ્રોસેસ ઝડપી બને છે જેથી દર્દીના જીવનની ગુણવત્તા પણ સુધરે છે.
સ્ત્રીઓમાં થતા ગર્ભાશયના અને ગર્ભાશયના મુખનાં સર્વાઇકલ કેન્સર માટે થયેલ સર્જરી પછી ફિઝીયોથેરાપિસ્ટ, સ્ત્રીઓને પેલ્વિક ફ્લોર રીહેબલીટેશન દ્વારા સારવાર આપે છે.
સ્તનનાં કેન્સરના ઓપરેશન પછી હાથમાં થતા સોજા ને દૂર કરવા માટે ન્યુમેટીક કમ્પ્રેશન થેરાપી તથા ફેરાડિઝમ અંડર પ્રેશરનો ઉપયોગ કરી ફિઝીયોથેરાપીસ્ટ સોજા ને દૂર કરે છે તે ઉપરાંત ખભાના હલનચલન ને જાળવી રાખે છે અને એમાં થયેલા ઘટાડાને કસરતથી ઇમ્પ્રૂવ કરે છે જેથી સ્ત્રીઓને રોજિંદા કામમાં અને કપડાં પહેરવામાં જે તકલીફો પડતી હોય છે તેમાં ઘણો સુધારો થાય છે.
ફેફસાના કેન્સરના દર્દીઓમાં એમની લંગ(ફેફસા) વોલ્યુમ અને કેપેસિટી ખૂબ ઘટી જતી હોય છે જેથી તેઓ જલ્દી થાક અનુભવે છે અને અને એમને શ્વાસ પણ ચડતો હોય છે ફિઝિયોથેરાપીસ્ટ દ્વારા અપાતી બ્રેથલેસનેસ રિલીવીંગ પોઝીશન આમાં ખૂબ ઉપયોગી બને છે ઘણીવાર લંગ્સમાં ઇન્ફેક્શન ધરાવતા દર્દીઓને પોસ્ચરલ ડ્રેનેજ અને હફિંગ અને કફિંગ પદ્ધતિઓ દ્વારા નેબ્યુલાઈઝેશન અને હ્યુમીડીફીકેશન સાથે ફેફસામાં ભરાયેલા કફ ને બહાર કાઢી શકાય છે.
જીભ, ગાલ અને જડબાના કેન્સરમા થતી સર્જરી પછી મોટે ભાગે દર્દીને મોં ખોલવામાં તકલીફ પડતી હોય છે સાથે સાથે ગરદન અને ખભા જકડાઈ જાય છે જેથી તેમાં હલનચલન ઘટી જાય છે અને દુખાવો પણ થતો હોય છે આ કિસ્સામાં ફિઝિયોથેરાપી માં આપવામાં આવતી મોબીલાઈઝેશન ટેકનીક ખાસ કરીને T.M. જોઈન્ટ મોબિલાઇઝેશન અને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ થી ઘણો લાભ મળે છે. TENS (trans cutaneous electrical nerve stimulation) મણકાનો દુખાવો ઓછો કરવા માં ખૂબ ઉપયોગી થાય છે.
બ્રેઇન ટ્યુમરના દર્દીઓમાં ટ્યુમરને કારણે અને સર્જરી પછી શરીરના ઘણા અંગોમાં લકવો લાગી જતો હોય છે જેથી દર્દી ઘણીવાર ચાલવામાં અને રોજિંદા કામ કરવામાં તકલીફ અનુભવે છે. ફિઝિયોથેરાપિસ્ટ એ દર્દીઓ માટે ફિઝિકલ રિહેબીલીટેશન પ્રોગ્રામ બનાવે છે જેમાં PNF ( પ્રોપ્રીઓસેપ્તીવ ન્યુરોમસ્ક્યુલર ફેસીલીટેશન ટેકનીક) અને ફંકશનલ રીહેબલીટેશન ટેકનીકનો ઉપયોગ કરી દર્દીને ફરીથી બને તેટલો કાર્યશીલ બનાવવાની કસરતો કરાવવામાં આવે છે.
હાલમાં સ્પાઈનલ કોર્ડ સ્ટીમ્યુલેટર અને રોબોટિક થેરાપીનો બ્રેઇન ટ્યુમર દ્વારા થયેલ લકવાગ્રસ્ત દર્દીઓમાં ખૂબ સારા પરિણામ જોવા મળી રહ્યા છે.
બોન ટ્યુમરના કિસ્સામાં થોડા કેસમાં એમપ્યુટેશન એટલે કે અંગને કાપવાની જરૂર પડતી હોય છે એવા કિસ્સાઓમાં દર્દીને ફેન્ટમ લીમ્બ pain થતું હોય છે. જેમાં કપાઈ ગયેલા અંગ જે હકીકતમાં છે જ નહીં તે અંગમાં દર્દ થતું હોય છે એવા કિસ્સાઓમાં ફિઝીયોથેરાપિસ્ટ મિરર થેરાપી દ્વારા સારવાર આપતા હોય છે. કપાઈ ગયેલા અંગની જગ્યાએ કૃત્રિમ અંગ (આર્ટિફિશિયલ લીમ્બ) લગાવવા પડે છે ફિઝીયોથેરાપિસ્ટ આ આર્ટિફિશિયલ લીમ્બ સાથે દર્દીને પોતાની રોજીંદી જિંદગીમાં ચાલવા અને કામ કરવાની ટ્રેનિંગ આપે છે જેથી તેઓ સ્વનિર્ભર બની શકે.