પોલેન્ડમાં રશિયન મિસાઈલ હુમલામાં બે નાગરિકોનાં મોત, વિશ્વભરમાં તંગદિલી વધી
રશિયાએ યુક્રેન ઉપર કરેલા મોટા મિસાઈલ હુમલા પૈકીની એક પોલેન્ડમાં પડી હોવાની સંભાવનાઃ પોલેન્ડ દ્વારા હાઈ એલર્ટ આપી તપાસ શરૂ કરાઈઃ રશિયાએ હુમલાનો ઈનકાર કર્યો, અમેરિકી રાષ્ટ્રપતિએ જી-7 અને નાટો દેશોના વડાઓની ઈમરજન્સી બેઠક બોલાવી, જો કે પાછળથી મિસાઈલ રશિયાએ દાગી નહીં હોવાની શક્યતા વ્યક્ત કરી
મંગળવારે રશિયાએ યુક્રેન ઉપર જોરદાર મિસાઈલોનો મારો ચલાવ્યો હતો, જે પૈકીની એક મિસાઈલ પોલેન્ડમાં બ્લાસ્ટ થઈ હતી અને તેમાં બે પોલિશ નાગરિકોનાં મોત થતાં આંતરરાષ્ટ્રીય તંગદિલીમાં જોરદાર વધારો થયો છે. પોલેન્ડના રાષ્ટ્રપતિ એન્ડ્રેઝ ડૂડાએ ઈમરજન્સી બેઠક બોલાવી હાઈ એલર્ટના આદેશ આપ્યા હતાં અને સાથે જ મિસાઈલ બ્લાસ્ટની ઉચ્ચસ્તરીય તપાસ શરૂ કરાવી છે. બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનએ જી-7 અને નાટો દેશોના વડાઓની એક ઈમરજન્સી બેઠક બોલાવી રશિયાના મિસાઈલ હુમલાઓને વખોડી કાઢ્યો હતો. અલબત્ત આ મિસાઈલ રશિયાએ દાગી હોવાના હજુ પુરાવા સાંપડ્યા નથી.
રશિયાએ યુક્રેન ઉપર મંગળવારે જોરદાર મિસાઈલ હુમલો કર્યો હતો અને તેને પગલે યુક્રેનમાં પારાવાર તબાહી મચી છે. તો બીજી તરફ યુક્રેન બોર્ડર નજીક પોલેન્ડના સિલોમાં એક મિસાઈલ બ્લાસ્ટ થયો હતો જેમાં બે નાગરિકોનાં મોત થયા હતાં. મિસાઈલ એવા ખેતરમાં પડી હતી જ્યાં અનાજ સૂકવાઈ રહ્યું હતું. મિસાઈલ એટેકના સમાચારને પગલે પોલિશ રાષ્ટ્રપતિ એન્ડ્રેઝ ડૂડાએ ઈમરજન્સી બેઠક બોલાવી હતી અને હાઈ એલર્ટ જાહેર કરી મિસાઈલ એટેકની તપાસ શરૂ કરાવી હતી. પ્રાથમિક તબક્કે એવું જણાયું છે કે મિસાઈલ રશિયન બનાવટની હોવી જોઈએ. જેથી એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે રશિયાએ પોલેન્ડને પણ નિશાન બનાવવું શરૂ કરી દીધું છે.
રશિયાના યુક્રેન પરના મિસાઈલ હુમલાનું ટ્રેકિંગ નાટોના વિમાનો દ્વારા કરવામાં આવ્યું હતું, જો કે પોલેન્ડમાં પડેલી મિસાઈલ અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી કે તેને રશિયાએ જ દાગી હોવી જોઈએ. પોલિશ રાષ્ટ્રપતિ ડૂડાએ નાટો દેશોના વડાઓ સાથે પણ વાતચીત શરૂ કરી હતી. તો બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન દ્વારા ઘટનાને ગંભીરતાથી લઈને જી-7 અને નાટોના દેશોના વડાઓની એક ઈમરજન્સી બેઠક બોલાવાઈ હતી. તમામે રશિયન હુમલાની આકરી ટીકા કરી હતી અને યુક્રેન સહિતના પીડિત યુરોપિયન દેશો સાથે રહેવાની ખાતરી આપી હતી.
અલબત્ત ઈમરજન્સી મીટિંગ બાદ જો બાઈડેનએ એક એવું નિવેદન જારી કર્યું છે કે પોલેન્ડમાં પડેલી મિસાઈલ રશિયાએ દાગી હોવાની શક્યતા ઓછી છે. એટલે કે રશિયાએ પોલેન્ડ ઉપર કોઈ મિસાઈલ એટેક કર્યો હોય તેવી સંભાવના જણાતી નથી. બીજી તરફ રશિયન મિલીટરીએ પણ એવી સ્પષ્ટતા કરી છે કે પોલેન્ડમાં તેમના દ્વારા કોઈ મિસાઈલ હુમલો કરવામાં આવ્યો નથી.
યુક્રેન પરના હુમલા સંદર્ભે વિશ્વભરના મોટાભાગના દેશો રશિયાની આકરી ટીકા કરી રહ્યાં છે. ત્યારે પોલેન્ડમાં રશિયન મિસાઈલના બ્લાસ્ટની ઘટનાથી આંતરરાષ્ટ્રીય રાજકારણ વધુ ગરમાયું છે. રશિયાએ જો પોલેન્ડ ઉપર હુમલો શરૂ કર્યો હોય તે તે ખૂબ જ ગંભીર ઘટના ગણાય અને પોલેન્ડ નાટોનું સભ્ય હોવાને કારણે નાટોના દેશો પણ અકારણ યુદ્ધમાં જોતરાય જે વિશ્વયુદ્ધ સુધી દોરી જાય તેવી ભીતિ સેવવામાં આવી રહી છે. પરંતુ આ લખાય છે ત્યાં સુધી રશિયાએ પોલેન્ડ ઉપર મિસાઈલ દાગી હોવાના કોઈ પુરાવા સાંપડ્યા નથી અને ઘટનાને ગંભીરતાથી નહીં લેવા વિશ્વના ટોચના નેતાઓ સલાહ આપી રહ્યાં છે.