May 25, 2025

સરસ મેળો:સુરતમાં તા.7 નવે. સુધી દેશભરની ચીજવસ્તુઓ ખરીદવાની તક

સુરત: ગ્રામીણ મહિલાઓ દ્વારા ઉત્પાદિત કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ થાય અને તેમનું આર્થિક ઉત્થાન થાય એ હેતુથી ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય, રાજ્યના ગ્રામ વિકાસ વિભાગ અને ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ.ના સંયુક્ત ઉપક્રમે સુરત શહેરના હની પાર્ક ગ્રાઉન્ડ, આનંદ મહલ રોડ અડાજણ ખાતે તા.૨૭ ઓકટોબરથી ૭ નવેમ્બર દરમિયાન આયોજિત ‘સરસ મેળા’ને મેયર દક્ષેશભાઈ માવાણીએ ખુલ્લો મુકયો હતો.


આ સરસ મેળામાં આર્ટીસન સ્ટોલ્સ, કિડ્સ ઝોન, કલ્ચરલ પ્રોગ્રામ, લાઈવ ફુડ સ્ટોલ્સ તેમજ હસ્તકલા, હેન્ડલૂમ સહિતની કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ હરિયાણા, બિહાર, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ગોવા, મધ્યપ્રદેશ, કેરલા, લદાખ, આંધ્રપ્રદેશ, પંજાબ, છત્તીસગઢ, તેલંગાણા, તમિલનાડુ, કર્ણાટક, રાજ્યના રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને ઓડિશા સહિતના રાજ્યોના ૫૦ તથા ગુજરાતના વિવિધ જિલ્લાના ૧૦૦ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આ મેળામાં બેસ્ટ સ્ટોલ ડેકોરેશન, બેસ્ટ ઈનોવેટિવ પ્રોડક્ટ અને બેસ્ટ સેલર, ડિજીટલ પેમેન્ટને પ્રાધાન્ય આપતા સ્ટોલને પુરસ્કાર પણ અપાશે.