દેવદીવાળીનું માહાત્મ્ય, બે જુદી જુદી રસપ્રદ કથાઓ
શ્રીમદ્ દેવી ભાગવત અનુસાર તુલસીના શ્રાપથી ભગવાન વિષ્ણુ શાલિગ્રામ પથ્થર બની ગયા અને વૃંદાવનમાં પ્રગટેલા તુલસીજી સાથે વિવાહ થયા, જે તુલસી વિવાહ અને દેવદીવાળીની ઉજવણીઃ શિવપુરાણ અનુસાર કારતકી પૂનમે મહાદેવજીએ ત્રિપુરાસુરનો વધ કર્યો ત્યારે દેવોએ પ્રસન્ન થઈ દીવડા પ્રગટાવ્યા હતાં
દીવાળીનો તહેવાર સંપન્ન થઈ ચુક્યો છે અને હવે દેવદીવાળીની ઉજવણી શરૂ થઈ રહી છે. કારતક સુદ અગિયારસે તુલસી વિવાહથી દેવદીવાળીની ઉજવણીની શરૂઆત થાય છે અને પૂનમના દિવસે દેવદીવાળી સંપન્ન થાય છે. હિન્દુ ધર્મના વિવિધ શાસ્ત્રો મુજબ દેવદીવાળીના માહાત્મ્યની બે જુદી જુદી કથાઓ વર્ણવાઈ છે.
શ્રીમદ્ દેવી ભાગવત અનુસાર એક કથા એવી છે કે તુલસીજીનો સર્વ પ્રથમ પ્રાદુર્ભાવ ધર્મધ્વજ રાજાને ત્યાં થયો હતો. ધર્મધ્વજ રાજાની પત્નીનું નામ માધવી હતું. તુલસીજી બદ્રીવનમાં તપસ્યા માટે ગયાં અને તેમની ઈચ્છા હતી કે ભગવાન વિષ્ણુ તેમને પતિના રૂપમાં પ્રાપ્ત થાય. જો કે બ્રહ્માજીએ તુલસીને કહ્યું કે, તમારા મનોરથ તો પૂર્ણ થશે, પરંતુ હમણાં નહીં. કારણ કે એક ગોપ અસુર થઈને આવ્યો છે અને તે અસુરનો ઉદ્ધાર કરવાનો છે. આ ગોપ બીજો કોઈ નહીં પરંતુ સુદામા નામનો ગોપ હતો જે શંખચૂડ બનીને આવ્યો હતો.
તુલસી અને શંખચૂડના વિવાહ થયાં. શંખચૂડ અને મહાદેવજી વચ્ચે ભીષણ યુદ્ધ થયું. પરંતુ મહાદેવજી શંખચૂડને હરાવી શક્યા નહીં, કારણ કે તુલસીનું સતીત્વ, તેનું પતિવ્રત ધર્મ એ શંખચૂડનું રક્ષણ કરતું હતું. ત્યારે ભગવાન વિષ્ણુએ એ ધર્મનું ખંડન કર્યું અને શંખચૂડને પરાસ્ત કરી શકાયો. આઘાત સાથે તુલસીએ ભગવાનને કહ્યું કે, તમારું હૃદય પથ્થર જેવું છે, જેથી હું ભારતની નારી તમને શ્રાપ આપું છું કે તમે પથ્થર બની જાઓ. આ શ્રાપથી ભગવાન વિષ્ણુ શાલિગ્રામજીના સ્વરૂપમાં પ્રગટ થયાં અને તુલસીજી વૃંદાવનમાં પ્રગટ થયાં. તેઓ જે સમયે પ્રગટયાં એ સમય હતો કારતક સુદ પૂર્ણિમાં, એટલા માટે આ પૂર્ણિમાં પ્રાગટયનો પણ દિવસ છે અને વિવાહનો પણ દિવસ છે.
તુલસીજીનું પ્રાગટય વૃંદાવનમાં થયું હોવાથી તેમનું નામ વૃંદાવની પડયું. એમનું એક નામ નંદિની છે, તેમજ અન્ય નામોમાં કૃષ્ણ જીવની, વિશ્વ પૂજીતા અને તુલસી પણ છે. તુલસી નામ એટલા માટે છે કે સંસારમાં એમની કોઈ તુલના નથી કરી શકતું. ગણેશ પુરાણમાં વર્ણવ્યું છે કે, ભગવાન ગણેશજીએ તુલસીજીને કહ્યું હતું કે, હે તુલસી ! તમે મને ભલે અપ્રિય રહેશો, પરંતુ તમે હરિને પ્રિય રહેશો. છપ્પન પ્રકારનાં ભોગ ભલે ધરાવ્યા હોય પણ એ ભોગમાં જ્યાં સુધી તુલસી દલ નહીં હોય ત્યાં સુધી હરિ એ ભોગનો સ્વીકાર નહીં કરશે. તુલસી વૃંદાવનમાં પ્રગટયાં અને ભગવાન ગંડકી નદીના તટ ઉપર શાલિગ્રામજી સ્વરૂપે પ્રગટ થયાં હતાં.
શિવપુરાણ અનુસાર એક સમયે ત્રિપુર નામનો મહાદૈત્ય પ્રયાગક્ષેત્રમાં ઘોર તપશ્ચર્યા કરવા લાગ્યો. એના તપના તેજ અને પ્રભાવથી ત્રણેય ભૂવનો બળવા માંડ્યા. એને સંમોહિત કરવા દેવોએ અનેક અપ્સરાઓ મોકલી અને વિવિધ ઉપાયો કર્યા, પરંતુ દૈત્ય તપમાંથી બિલકુલ ચલિત થયો નહીં. દેવતાઓએ કામ, ક્રોધ અને લોભનો પણ પ્રયોગ કર્યો પરંતુ તે વશ થયો નહીં. તેણે બ્રહ્માજીને પ્રસન્ન કરી અમરત્વ માગ્યું, ત્યારે બ્રહ્માજી બોલ્યા, ‘હે વત્સ! મારું પણ મરણ થાય છે, તો પછી અન્યની તો વાત જ કઈ રીતે કરવી? શરીરધારીઓ માટે મૃત્યુ અટલ છે, એટલે મારી પાસેથી કોઈ અન્ય વરદાન માગી લે.’
ત્રિપુર બોલ્યો: ‘હે પિતામહ! દેવથી, મનુષ્યથી, રાક્ષસથી, સ્ત્રીઓથી કે રોગથી મારું મૃત્યુ થાય નહીં એવું મને શ્રેષ્ઠ વરદાન આપો.’ તથાસ્તુ’ કહીને બ્રહ્મદેવ સત્યલોકમાં જતાં રહ્યાં. ત્રિપુરાસુરને આવું વરદાન પ્રાપ્ત થયું છે એ જાણી અનેક દૈત્યો એની પાસે ગયા. ત્રિપુરાસુરે દૈત્યોને આદેશ કર્યો કે, ‘આપણા વિરોધી તમામ દેવોને હણી નાંખો. એવું શક્ય નહીં બને તો એમની પાસેની સર્વોત્તમ વસ્તુઓ છીનવી લઈ મને સમર્પિત કરો.’ દૈત્યરાજ ત્રિપુરની આજ્ઞા થતાં જ દૈત્યોએ સર્વ દેવોને, સર્પોને અને યક્ષોને બંદીવાન બનાવી હાહાકાર મચાવવા માંડ્યો.
વિશેષમાં ત્રિપુરનાં વચનોને અનુસરતા વિશ્વકર્માએ ત્રિપુરની રચના કરી. આ તેજ ગતિથી ઉડનારાં ધાતુનાં વિમાન જેવાં ત્રણ પુર હતાં. ત્રિપુરાસુર એક પુરથી પાતાળમાં, એક પુરથી સ્વર્ગમાં અને એક પુરથી પૃથ્વી પર ઇરછાનુસાર વિચરતો અને વિનાશ સર્જતો રહેતો. ત્રિપુરના આવા વર્તનથી દેવો ત્રસ્ત અને લાચાર બની ગયા હતાં. દરમિયાન ઇન્દ્ર, બ્રહ્મા અને વિષ્ણુ તેમજ નારદમુનિએ એકત્ર થઈ આ બાબતે ચિંતા વ્યક્ત કરી અને ત્રિપુરાસુરના વધ વિષે ચર્ચા કરવા લાગ્યા. અંતે તેમણે ત્રિપુરાસુરના સંહાર માટે શિવજીનું શરણ સ્વીકાર્યું. દેવર્ષિ નારદજીની માયાથી પ્રેરાઈને ત્રિપુરાસુરે કૈલાસ ઉપર આક્રમણ કર્યું. ત્રણ દિવસ સુધી સર્વે દેવોએ સાથે મળીને ત્રિપુરાસુર સાથે મહાયુદ્ધ કર્યું પરંતુ તેઓ ફાવ્યા નહીં. અંતે કાર્તિક માસના શુકલ પક્ષની પૂર્ણિમાને દિવસે ભગવાન શિવજીએ એક જ બાણથી ત્રિપુરાસુરને વિંધી નાંખ્યો અને તેનો અંત આણ્યો. ત્રિપુરાસુરના વધથી સર્વે દેવો પ્રસન્ન થયા અને હર્ષોલ્લાસ સાથે તેઓએ સદાશિવને પ્રસન્ન કરવા દીપ સમર્પિત કર્યા અને દિવાળી જેવો ઉત્સવ પણ ઉજવ્યો. આથી આ દિવસને ‘દેવદિવાળી’ તરીકે ઓળખવામાં આવે છે.