દેવઉઠી એકાદશીથી ગુંજશે શરણાઈઓ: નવેમ્બર-ડિસેમ્બરમાં માત્ર 13 મુહૂર્ત
દિવાળીની ધામધુમથી ઉજવણી બાદ હવે લગ્નોની મોસમ શરુ થશે. 23 નવેમ્બરે દેવઉઠી એકાદશીથી આ શુભ કાર્યોની શરૂઆત થાય છે. જો કે આ વખતે ઓછા મુહૂર્તને કારણે મોટાભાગના લોકો લગ્નના પાર્ટીપ્લોટ અને હોટલોમાં બુકિંગ માટે દોડાદોડી કરી રહ્યા છે ત્યારે બીજી તરફ મુહૂર્તની તમામ તારીખો માટે પંડિતો પણ બુક થઈ ગયા છે.
23 નવેમ્બરે ચાતુર્માસ પૂર્ણ થઈ રહ્યો છે અને શ્રી હરિ યોગ નિદ્રામાંથી જાગતાની સાથે જ છેલ્લા પાંચ મહિનાથી શાંત પડેલી શરણાઈ ગુંજવા લાગશે. હિંદુ કેલેન્ડર મુજબ, દેવઉઠી એકાદશી કારતક મહિનામાં શુક્લ પક્ષની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે જેથી દેવઉઠી એકાદશી 23 નવેમ્બરે ઉજવવામાં આવશે અને 24 નવેમ્બરે તુલસી વિવાહ યોજાશે. બાદમાં નવેમ્બરની તારીખ- 23, 24, 25, 27, 28, 29 અને ડિસેમ્બરમાં 5, 6, 7, 8, 9, 11, 15 તારીખે લગ્નો યોજાશે અને ત્યાર બાદ 16 ડિસેમ્બર 2023 થી 14 જાન્યુઆરી 2024 સુધી સૂર્ય ખરમાસમાં લગ્ન બંધ રહેશે. જેથી નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્નના 13 દિવસના શુભ મુહૂર્ત દરમિયાન ઘણા યુગલો લગ્નના બંધનમાં બંધાશે.