તથ્ય પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો
ગત બુધવારે મોડીરાત્રે અમદાવાદના એસજી હાઇવે પર આવેલા ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલા અકસ્માત કેસમાં 9 લોકોના મોતનો આરોપી તથ્ય પટેલ હવે અમદાવાદ સેન્ટ્રલ જેલની હવા ખાશે. નિર્દોષોના જીવ લેનારા તથ્ય પટેલને સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલાશે.
ઈસ્કોન અકસ્માત કેસના આરોપી તથ્યને અમદાવાદ કોર્ટમાં રજૂ કરાયો હતો જેના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે તથ્યને કોર્ટમાં રજૂ કર્યો હતો, જે બાદ તથ્યને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો છે. અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માતના મામલે આરોપી પિતા પુત્રના કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે આરોપીના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેમાં તપાસના 11 મુદ્દાઓમાં આરોપી ઘરેથી નીકળી કોને મળ્યો, કયા કાફે પર ગયા, વગેરે માહિતીની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. કોર્ટએ 24મી તારીખ સાંજના 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
બુધવારે મધરાતે સર્જાયેલા એક અકસ્માત મામલે ઇસ્કોન બ્રિજ પર ટોળું ભેગું થયું હતું. ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતી જેગુઆર કારે ટોળાને કચડી માર્યા હતા. જેમાં 9 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા તેમજ આ દુર્ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાનનું પણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ FSL રિપોર્ટમાં ગાડીની સ્પીડને લઈને ખુલાસો થયો છે. ગાડીની સ્પીડ 142.5ની હોવાનો ખુલાસો થયો છે જે FSL દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જ્યારે રિપોર્ટના આધારે પોલીસ કાર્યવાહી આગળ હાથ ધરાશે.