નવસારીમાં બે કલાકમાં 9 ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકાર
રાજ્યમાં સતત પડી રહેલા મુશળધાર વરસાદને પગલે ઘણાં વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે ખાસ કરીને ગઇકાલ રાતથી જ વરસાદ નવસારીને ધમરોળી રહ્યું છે. નવસારીમાં ભારે વરસાદ યથાવત છે. જેના પગલે ઘણી જગ્યાએ કેડ સમા પાણી ભરાયા છે. જ્યારે બીજી બાજુ, નુકસાનીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. વરસાદી પાણીમાં ગેસ સિલિન્ડર તણાયા હોવાની તસવીરો સામે આવી રહી છે. છેલ્લાં 2 કલાકમાં નવસારીમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે જેને પગલે શાંતાદેવી વિસ્તારમાં દિવાલ ધરાશાયી થઇ હોવાની ઘટના સામે આવી છે જેમાં બે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે ત્યારે મકાન અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે. શાળાએથી પરત ફરતા વિદ્યાર્થીઓ અને વાલીઓ અટવાયા છે. જ્યારે અનેક બાઈક અને કાર બગડતા ટ્રાફિકજામના દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ ઉપરાંત શહેરમાં ધોધમાર વરસાદના કારણે સ્ટેશનથી દાંડી જતો રોડ બંધ થઈ ગયો છે તેમજ વિજલપુર વિસ્તારના વિઠ્ઠલ મંદિરમાં પાણી ભરાયા છે. જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. ત્યારે અંબાલાલ પટેલે આવતા મહિનામાં ઓગસ્ટમાં પણ ભારે વરસાદની ચોંકાવનારી આગાહી કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે આ વરસાદનું વહન સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેમાં વડોદરા, સાવલી, આણંદ, નડિયાદ, ખેડા, અને અમદાવાદના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. આ ઉપરાંત પંચમહાલના પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં ગોધરા, દાહોદ ઉપરાંત છોટા ઉદેપુર અને પાવાગઢના વિસ્તારોમાં તથા મહેસાણાથી ચોટીલા સુધીના સળંગ પટ્ટામાં વરસાદની શક્યતા છે.
જુઓ વરસાદના કારણે ગોડાઉનનો ગેટ તુટી જતાં પાણીમાં ગેસ સિલિન્ડરો તણાયા હોવાનો વિડીયો