November 21, 2024

કોરોનાની કોવિશીલ્ડ રસી લીધી હોય તેમને હાર્ટએટેક, બ્રેઈન સ્ટ્રોકનું જોખમ

  • કોરોનાની રસી બનાવનારી બ્રિટિશ કંપનીએ યુકેની કોર્ટમાં સ્વીકાર્યું, દવા આડઅસરો પેદા કરી શકે છે, ભારતમાં 175 કરોડ ડોઝ અપાયા છે
  • કોવિશીલ્ડ AstraZenecaએ ઓક્સફોર્ડ યુનિ.ના સહયોગથી બનાવી હતી, ભારતમાં રસી અદર પૂનાવાલાની સીરમ સંસ્થા દ્વારા બનાવાઈ હતી

કોરોનામાં અપાયેલી વેક્સિન કોવિશીલ્ડ મુદ્દે ખૂબ મોટા સમાચાર આવ્યા છે. આ રસી બનાવનારી કંપની AstraZenecaએ યુકેની હાઈકોર્ટમાં સ્વીકાર્યું છે કે તેની કેટલીક આડઅસરો છે. તેનાથી લોહી ગંઠાવા સહિતની કેટલીક બીમારી થઈ શકે છે, જેનાથી હાર્ટ એટેક કે બ્રેઈન સ્ટ્રોકનું જોખમ છે. ખાસ વાત તો એ છે કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સહિત ભારતમાં હાર્ટ એટેકના તેમજ અચાનક બેભાન થઈને મૃત્યુ પામવાના કેસમાં નોંધપાત્ર અને ચિંતાજનક વધારો થયો છે. વારંવાર એવી ચર્ચા ઉઠી હતી કે કોરોનાની વેક્સિનને કારણે આવું બની રહ્યું છે. અત્યાર સુધી સરકાર આ વાતને અવગણતી હતી, જો કે હવે વેક્સિન બનાવનારી કંપનીએ જ કોર્ટમાં તેની આડઅસરોનો સ્વીકાર કરતાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે.

તેની પાછળનું મુખ્ય કારણ એવું છે કે ભારતમાં કોરોના વેક્સિનના કરોડો ડોઝ અપાયા છે, જે પૈકી સૌથી વધુ 175 કરોડ ડોઝ કોવિશીલ્ડના અપાયા છે. બીજા નંબરે કોવેક્સિનના 36 કરોડ ડોઝ જ્યારે ત્રીજા નંબરે કોર્બોવેક્સના 7.4 કરોડ ડોઝ અપાયા છે. આમ કોવિશીલ્ડની રસી લેનારા લોકોમાં ભયની લાગણી ફરી વળી છે.

યુકેની કોર્ટમાં 51 જેટલા લોકોએ બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની AstraZeneca સામે કેસ કર્યા છે અને પીડિતોએ 1 હજાર કરોડ કરતાં વધુના વળતરની માંગણી કંપની પાસે કરી છે. હાલ તો એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું છે કે તેની રસી, કોવિશિલ્ડ અને વેક્સજાવરિયા નામથી વેચાતી હતી, તે લોકોમાં લોહીના ગંઠાવા સહિતની આડઅસર નોંતરી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો, હાર્ટ એટેક, બ્રેઈન સ્ટ્રોક અને પ્લેટલેટ્સ ઘટાડી શકે છે. કંપનીએ એવું પણ ઉમેર્યું હતું કે આ ખૂબ જ ઓછા કિસ્સાઓમાં થશે અને સામાન્ય લોકોને ડરવાની કોઈ જરૂર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *