નાળિયેરી પૂનમે માછીમારોએ કરી દરિયા દેવની પૂજા: દરિયો ખેડવાની તૈયારી
દર વર્ષની પરંપરાના ભાગરુપે સાગરખેડુઓ અને તેમના પરિવારજનોએ દરિયા દેવની વધિવત પુજા કરી હતી અને ખારા થયેલા દરિયાને શ્રીફળ વધેરી ખાંડ નાખી મીઠો થવા પ્રભુને પ્રાર્થના કરવામાં આવી હતી. જ્યારથી વહાણવટાનો વ્યવસાય શરૂ થયો છે ત્યારથી ખારવા સમાજ દ્વારા દરિયા દેવનું પૂજન કરે છે. જેમાં દરિયાદેવની પૂજામાં શ્રીફળ ખાંડ અને અગરબત્તી તેમજ પુષ્પોનો ઉપયોગ કરીને દરિયા દેવનું પૂજન કરવામાં આવતું હોય છે. પવિત્ર નાળીયેરી પૂનમના દિવસે સાગરખેડુ એવા માછીમાર સમુદાય દ્વારા પરંપરાગત રીતે આજે દરિયા દેવનું પૂજન અર્ચન કરી પોતાની દરિયામાં મચ્છીમારી માટે જવાની તૈયારી કરી હતી. સાથે જ વર્ષ દરમિયાન દરિયો શાંત રહે અને માછીમારોના રક્ષણ સાથે જ પૂરતી રોજગારી પણ મળી રહે એવા ભાવ સાથે નારિયેળ પધરાવી પ્રાર્થના કરી.
જમીન પર ખેતીની જેમ માછીમારો દરિયો ખેડીને દરિયાઈ મેવાની ખેતી કરતા હોય છે. ત્યારે આજથી દરિયાનું જોર એટલે કે બળ ઘટતું હોય છે. જેથી શ્રાવણી પૂનમને બળેવ પણ કહેવાય છે. ત્યારે 9 મહિના દરિયો માછીમારોને સાચવે અને ધંધો રોજગારી સારા પ્રમાણમાં આપે એ કામના સાથે આજથી માછીમારો મચ્છીમારી માટે દરિયો ખેડશે અને એ માટે કરિયાણું સહિતનો જરુરી સામાન લઈને જતાં પહેલાં સહિસલામત પરત ફરવાની પ્રાર્થના સાથે દરિયાદેવની પુજા કરવામાં આવી હતી.