November 21, 2024

“આંતરરાષ્ટ્રીય લઘુમતી અધિકાર દિવસ” નિમિત્તે લઘુમતી સમાજનાં વિદ્યાર્થીઓના ન્યાય માટે કરાઈ રજુઆત

photo gujarat update

આજે તા. ૧૮ ડિસેમ્બર “આંતરરાષ્ટ્રીય લઘુમતી અધિકાર દિવસ” છે ત્યારે સુરતના પુર્વ કોર્પોરેટર અને ગરીબોને ન્યાય અપાવવા માટે હંમેશા આગળ રહેતાં અસલમભાઈ સાયકલવાલા દ્વારા મનપા કમિશ્નર સમક્ષ ગરીબ બાળકોને શિક્ષણ બાબતે થઈ રહેલાં અન્યાય અંગે રજુઆત કરવામાં આવી હતી.

અસલમ સાયકલવાલા દ્વારા જણાવાયું હતુ કે,સુરત મહાનગરપાલિકાનાં સાઉથ- ઈસ્ટ (લિંબાયત) ઝોનમાં મીઠીખાડી સ્લમ વિસ્તારની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં. ૭૪ અને ૨૩૪ જેમાં ગરીબ શ્રમિક પરિવારનાં આશરે ૨૬૦૦ વિદ્યાર્થીઓ છે તેમજ ડુંભાલ ટેનામેન્ટ પાસે આવેલ શાળા નં. ૧૬૯ અને ૨૬૯ માં આશરે ૧૨૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આમ આ શાળાઓમાં આશરે ૩૮૦૦ વિદ્યાર્થીઓમાં આશરે ૮૦% કરતા વધુ વિદ્યાર્થીઓ સ્થાનિક સ્લમ વિસ્તારનાં લઘુમતી સમાજનાં છે.

જો કે, મીઠીખાડી વિસ્તારમાં આવેલ શાળાને આપના લિંબાયત ઝોન દ્વારા નવનિર્મિત શાળા ભવન બનાવવા માટે વર્ષ ૨૦૧૭ માં ડીમોલેશન કરવામાં આવેલ તથા ડુંભાલ ટેનામેન્ટ પાસે આવેલ શાળાને નવનિર્મિત શાળા ભવન માટે વર્ષ ૨૦૨૧માં ડીમોલેશન કરવામાં આવેલ પરંતુ ઉપરોક્ત સ્થળો પર આજદિન સુધી નવનિર્મિત શાળા ભવન માટે “એક ઈંટ” મુકાઈ નથી જે બાબત ઘણી દુઃખદ છે.સદર શાળાઓનાં વિદ્યાર્થીઓ નજીકની અન્ય શાળાઓમાં તેમજ બંધ પડેલ આંજણા સ્થિત નાગરિક સુવિધા કેન્દ્રની જગ્યામાં “ઘેટાં બકરા”ની જેમ અભ્યાસ કરવા મજબુર બન્યા છે જેના કારણે સ્થાનિક વિધાર્થીઓનાં શૈક્ષણિક, માનસિક અને શારીરિક આડ અસર થવાનો ભય વધુ છે. આશરે રૂ. ૭૫૦૦/- કરોડ કરતા વધુનું વાર્ષિક બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકા અને જેને “સ્માર્ટ સિટી” નો દરજ્જો મળ્યો હોય એ મનપાનાં વહીવટી તંત્ર દ્વારા સ્લમ વિસ્તારનાં ગરીબ શ્રમિક લઘુમતી સમાજનાં વિદ્યાર્થીઓ સાથે આજદિન સુધી નવનિર્મિત શાળા ભવન ન બનાવી વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરીને ઓરમાયું વર્તન રાખવું એ બાબત યોગ્ય નથી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પૂર્વનાં તમામ મ્યુનિસિપલ કમિશ્નરશ્રીઓ દ્વારા પરંપરાગત રીતે પ્રાથમિક શાળાનાં નવનિર્મિત ભવન બનાવવા માટે અગ્રીમતા આપવામાં આવતી પરંતુ આપના કાર્યકાળમાં આપના દ્વારા થયેલ આદેશ “સર્વ શિક્ષા અભિયાન યોજના હેઠળ ગ્રાન્ટ” માંથી જ શાળા ભવન બનાવવુની નીતિરીતિનાં કારણે સદર શાળાઓનું નવનિર્મિત શાળા ભવન બનાવવાનું કાર્ય આજદિન સુધી થઈ શક્યું નથી.ગાંધીનગર સચિવાલય સ્થિત ગુજરાત સરકારનું વહીવટ કેટલું ઝડપી ચાલે છે એને આપ સવિશેષ જાણો છો તેમ છતાં સુરત મહાનગરપાલિકાની નવનિર્મિત શાળા ભવન બનાવવા માટેની વર્ષો જુની નીતિ બદલવાથી સ્થાનિક ગરીબ શ્રમિક લઘુમતી સમાજનાં વિદ્યાર્થીઓ સાથે થઈ રહેલ અન્યાય એ યોગ્ય નથી જેથી આજે ૧૮ ડિસેમ્બર “આંતરરાષ્ટ્રીય લઘુમતી અધિકાર દિવસ” નિમિત્તે આપના દ્વારા સદર શાળાઓનાં નવનિર્મિત ભવન માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે એવી વિનંતી સાથે માંગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *