જયપુરમાં રાજપૂત સમાજમાં વર્ચસ્વ માટે બે નેતા વચ્ચે હિંસક ઘર્ષણ, ફાયરિંગ
- રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ શિવસિંહ શેખાવત અને શ્રી રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ મહિપાલ સિંહ મકરાણા એકબીજાના લોહીના પ્યાસા બની ગયા
જયપુરમાં શુક્રવારે રાત્રે રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ શિવ સિંહ શેખાવત અને શ્રી રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ મહિપાલ સિંહ મકરાણા વચ્ચે મારામારી અને ફાયરિંગની ઘટના બની હતી. જેમાં મકરાણા ઘાયલ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
શેખાવતે કહ્યું કે મકરાણા ચાર લોકો સાથે ચિત્રકૂટ વિસ્તારની મારી ઓફિસમાં આવ્યા અને ફાયરિંગ કર્યું. ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડ અને અન્ય લોકોએ તેને પકડી લીધો હતો. જો કે તેમણે તેના પર પણ હુમલો કર્યો હતો. મહિપાલ સિંહ મકરાણાની પત્ની વર્ષાએ શિવ સિંહ અને તેના સાથીઓ પર ફાયરિંગ કરવાનો આરોપ લગાવ્યો છે. વાઈરલ વીડિયોમાં બંને પક્ષો મારામારી કરતા દેખાય છે. શિવ સિંહ શેખાવતે કહ્યું, ‘મારા નાના ભાઈને શુક્રવારે મકરાણાએ ફોન કર્યો હતો. તે કહેતો હતો કે ચાલો બેસીને વાત કરીએ. બધા વાતો કરતા હતા. તેઓ કદાચ નશામાં હતા. આ દરમિયાન તેમણે મારા પર ફાયરિંગ કર્યું હતું. ગોળી જમીન પર વાગી. આ પછી, મારા ગનમેને બંદૂકના બટથી તેના માથામાં ફટકો માર્યો. મકરાણા સાથે વધુ ત્રણ લોકો હતા, અમે તે બધાને પકડી લીધા હતા.
મહિપાલની પત્ની વર્ષાએ કહ્યું, મહિપાલ સિંહને છેતરપિંડી કરીને બોલાવીને મારવામાં આવ્યા. તેમણે પહેલેથી જ 40 લોકોને ભેગા કર્યા હતા. તેમને ખરાબ રીતે મારવામાં આવ્યા છે. સુખદેવસિંહ ગોગામેડી પણ આવી જ રીતે માર્યા ગયા હતા. તેમણે હમણાં જ મને કહ્યું છે કે તેને ફસાવવામાં આવ્યો હતો અને મારી નાખવામાં આવ્યો હતો. શિવ સિંહ તરફથી ફાયરિંગ થયું હતું. બંને પક્ષો એકબીજા પર ફાયરિંગનો આરોપ લગાવી રહ્યાં છે. મહિપાલ સિંહ મકરાણાના માથામાંથી લોહી નીકળતું હોવાના વીડિયોની તપાસ શરૂ કરાઈ છે.
પોલીસે કહ્યું કે આ બંને પાસે ગનમેન છે. આ ઘટના અંગે ગનમેનની પણ પૂછપરછ કરવામાં આવશે. રાષ્ટ્રીય કરણી સેનાના કાર્યાલયમાંથી લેવામાં આવેલા સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ઘટના સ્થળેથી બુલેટના ખાલી શેલ મળી આવ્યા હતા.
ડિસેમ્બર 2023માં, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરવામાં આવી, ત્યારબાદથી શિવસિંહ શેખાવત અને મહિપાલ સિંહ મકરાણા વચ્ચે રાજપૂત સમાજમાં વર્ચસ્વને લઈને વિવાદ ચાલી રહ્યો છે. શુક્રવારે રાત્રે બનેલી ઘટનાને પણ તેનો જ ભાગ માનવામાં આવે છે. બંને જૂથો ઘણાં સમયથી એકબીજાની વિરુદ્ધમાં નિવેદનો કરી રહ્યા છે.
લોકેન્દ્ર સિંહ કાલવી યુગમાં મકરાણા કરણી સેના સાથે સંકળાયેલા છે. પદ્માવત ફિલ્મના વિરોધને કારણે કરણી સેના રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવી હતી. તે વખતે મહિપાલ સિંહ મકરાણાએ ફિલ્મના વિરોધનું નેતૃત્વ કર્યું હતું. એવું માનવામાં આવે છે કે મકરાણા પૃથ્વીરાજ ચૌહાણની 21મી પેઢીના વંશજ છે.
ગત 5 ડિસેમ્બરે બપોરે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી પર બે બદમાશોએ ગોળીબાર કર્યો હતો અને તેમને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા. ગોગામેડી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. જેથી હાલના ઘર્ષણની ઘટના પણ નવા વિવાદને હવા આપે તેવી ચર્ચા ઉઠી છે.