મણિપુરમાં ફરી હિંસા, 17 ઘરો સળગાવ્યા, આદિવાસી મહિલા સાથે સામૂહિક બળાત્કાર
સશસ્ત્ર ઘૂસણખોરોએ આતંક મચાવ્યો, મોટાપાયે તોડફોડ અને આગચંપી કર્યા
ગામલોકો બચવા માટે જંગલ તરફ ભાગ્યા ને એક મહિલા હુમલાખોરોને હાથે ઝડપાઈ જતાં જઘન્ય કૃત્ય
મણિપુરના એક ગામમાં સશસ્ત્ર હુમલાખોરોએ આતંક મચાવતાં 17 જેટલા ઘરોને આગ ચાંપી હતી અને એક આદિવાસી મહિલા પર સામૂહિત બળાત્કાર કરી તેને જીવતી સળગાવી દેવાની અરેરાટી ઉપજાવનારી ઘટના સામે આવી છે.
મણિપુરમાં બહુમતિ મિતેઈ અને આદિવાસી ફુકી સમુદાય વચ્ચે વર્ષોથી લોહિયાળ સંઘર્ષ ચાલી રહ્યો છે. દરમિયાન ગઈકાલે રાત્રે કેટલાક સશસ્ત્ર હુમલાખોરો જિરીબામ જિલ્લાાના ગામમાં ઘૂસી આવ્યા હતાં. હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને ઘરોમાં આગચંપી શરૂ કરી હતી. ગામલોકો ભય સાથે જંગલ તરફ ભાગી ગયા હતાં.
કહેવાય છે કે હુમલાખોરોએ આગચંપી સાથે ગામલોકોના સામાનની તોડફોડ તેમજ લૂંટફાટ કરી હતી. જે સામે આવ્યું તેમને માર માર્યો હતો, જેમાં અનેક લોકોને ઈજા થયાનું પણ જાણવા મળે છે.
જો કે સૌથી ખોફનાક ઘટના એ હતી કે 31 વર્ષીય એક આદિવાસી મહિલા જંગલ તરફ ભાગવા જતા હુમલાખોરોના હાથે ઝડપાઈ ગઈ હતી. આ મહિલા પર હુમલાખોરોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો અને તેને જીવતી સળગાવી નાંખી હતી. ઘટનાને પગલે સમગ્ર મણિપુરમાં ભયનો માહોલ ફરી વળ્યો છે. કેટલાક એવું માને છે કે આ અધમ કૃત્ય ઘૂસણખોરો દ્વારા કરવામાં આવ્યું છે, તો કેટલાકે તેને સ્થાનિક વિસ્તારના પણ માની રહ્યા છે. હાલમાં પોલીસ અને સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરીને મોટાપાયે કોમ્બિંગ હાથ ધર્યું છે.
સાથે જ આદિવાસી સંગઠનોએ મણિપુરમાં કુકી-ઝોમી-હમર સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની માંગણી કરી છે. ચુરાચંદપુરના આદિવાસી સંગઠન ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમે પણ આ જઘન્ય ગુના માટે જવાબદારોની તાકીદે ધરપકડ કરવા માંગ કરી છે.