Uttarakhand:સિલ્ક્યારા ટનલમાંથી તમામ 41 મજૂરોને સુરક્ષિત રીતે બહાર કઢાયા
ઉત્તરાખંડના ઉત્તરકાશીની સિલ્ક્યારા-ડંડલગાંવ ટનલમાં ફસાયેલાં 41 મજુરોને આખરે 17 દિવસ બાદ બહાર કાઢી લેવામાં આવ્યા છે. રેસ્ક્યૂ ટીમની દ્વારા કરવામાં આવેલાં અથાગ પ્રયાસ બાદ મજૂરો સહી સલામત બહાર આવી શક્યા છે. જ્યારે મજૂરો બહાર આવ્યા ત્યારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને કેન્દ્રીય મંત્રી વીકે સિંહે તેમની સાથે મુલાકાત કરી હતી. જો કે બાદમાં મજૂરો બહાર આવ્યાં કે તરત જ તેમને ત્યાં હાજર એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવાયા હતા.
ઉલ્લેખનિય છે કે,તારીખ 12 નવેમ્બરના રોજ સવારે 5.30 વાગ્યાની આસપાસ ઉત્તરકાશીમાં બનેલી સિલ્ક્યારા-ડંડલગાંવ ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો જેનો કાટમાળ લગભગ 60 મીટર સુધી ફેલાઈ ગયો હતો જેના કારણે ટનલમાંથી બહાર આવવાનો રસ્તો બંધ થઈ ગયો હતો અને અંદર કામ કરતા 41 મજૂરનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો. જો કે સતત 17 દિવસની મહેનતના અંતે હવે 28 નવેમ્બર 2023ના રોજ તમામ 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવતાં તેમના પરિવારજનો સહિત દેશભરમાં ખુશી જોવા મળી રહી છે.
આ કામદારોની સારવાર માટે ચિન્યાલીસૌરમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં 41 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે, જ્યાં આ કામદારોને લઈ જવામાં આવ્યા છે. નોંધનિય છે કે, આ બચાવ કામગીરી પર સમગ્ર દેશ અને દુનિયાની નજર હતી ત્યારે પીએમ મોદી અને ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી આ ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા.