ઉકાઈડેમની સપાટી 342 ફૂટને પાર:નીચાણવાળા વિસ્તારોને અપાયું એલર્ટ
આખો શ્રાવણ માસ વિરામ લીધા બાદ ‘ભાદરવો ભરપૂર’ ઉક્તિને સાચી પાડતો હોય એમ મેહુલિયો સમગ્ર રાજ્યમાં મન મુકીને વરસી રહ્યો છે. છેલ્લાં બે દિવસથી વરસાદે માઝા મુકતાં એક તરફ નર્મદા ગાંડાતૂર બની છે અને જેને કારણે કેટલાંક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ પણ નિર્માણ પામી છે અને લોકોને રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ તરફ ઉકાઈડેમની સપાટીમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. આજે ઉકાઈ ડેમની સપાટી 342.02 ફૂટ નોંધાઈ હતી અને હજુ પણ ઉપરવાસમાં વરસી રહેલાં વરસાદને પગલે સપાટીમાં વધારો થવાની શક્યતા જોવાઈ રહી છે જેથી સમયાંતરે પાણી છોડવામાં આવી રહ્યું છે અને જેથી સાવચેતીના ભાગરુપે નીચાણવાળા કેટલાંક વિસ્તારોને એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે.
ઉકાઈડેમમાં હાલમાં 473770.0 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને 246675 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જો કે, ઉકાઈ ડેમનું રૂલ લેવલ 345 ફૂટ છે જ્યારે ડેમની ભયજનક સપાટી પણ 345 ફૂટ છે જેથી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા તાપી જિલ્લા અને સુરત જિલ્લા વહીવટી તંત્રને સજ્જ કરી દેવાયું છે.