Trai ની નવી DND App સર્વિસ:નકલી કોલ અને મેસેજથી મળશે છુટકારો
વર્તમાન સમયમાં નકલી કોલ અને મેસેજ એક મોટી સમસ્યા બન્યા છે ત્યારે ટ્રાઈ તરફથી નવુ એપ બેસ્ડ સોલ્યૂશન લાવવામાં આવી રહ્યું છે જેથી મોબાઇલ ફોન યૂઝરને મોટી રાહત મળશે. કારણ કે ટેલિકોમ રેગુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે ટ્રાઈ તરફથી માર્ચ 2024થી ડીએનડી એટલે કે ડૂ-નોટ-ડિસ્ટર્બ એપ સર્વિસ ભારતમાં લોન્ચ કરવામાં આવી રહી છે. આ સર્વિસ તમામ એન્ડ્રોયડ સ્માર્ટફોન યૂઝર માટે ઉપલબ્ધ રહેશે. ડીએનડી સર્વિસને સૌથી પહેલા એન્ડ્રોયડ યૂઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. પરંતુ આઈઓએસ યૂઝર્સે હાલ ડીએનડી સર્વિસ માટે રાહ જોવી પડશે.
ડીએનડી એપ સર્વિસને લોન્ચ કર્યા બાદ બિનજરૂરી મેસેજ અને કોલથી છુટકારો મળી જશે. નોંધનીય છે કે ટ્રાઈ ડીએનડી સર્વિસ પ્રાયલટ પ્રોજેક્ટ હેઠળ ચાલી રહી છે, જેથી એપની ખામીઓમાં સુધારા કરી શકાય. ત્યારબાદ માર્ચમાં આ એપને દરેક યૂઝર્સ માટે ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. ડીએનડી એપ તમારા મોબાઇલ ફોનના કોલ લોગનું એક્સેસ જોઈને તેનાથી જાણકારી મેળવશે કે તમારા મોબાઈલ ફોનમાં ક્યાં કોલ અને મેસેજ નકામા છે. આ એપના કારણે યુઝર્સને ખાસ્સી રાહત મળશે.