ઉતરાણમાં ધૂમ મચાવવા તૈયાર છે તિરંગા દોરી
- ત્રીસેક વર્ષથી કતારગામ દરવાજા ખાતે પતંગની દોરીને માંજો ચઢાવતાં ચકાભાઈ તિરંગા દોરીને પૂરા સન્માન સાથે તૈયાર કરે છે
- તમામ દોરી ઘસનારાએ ચાલુ વર્ષે ભાવ વધાર્યા, ચકાભાઈ હજુ જુના ભાવે જ માંજો તૈયાર કરે છે
ઉત્તરાયણ એટલે કે ઉતરાણની તૈયારી જોરશોરથી શરૂ થઈ ચુકી છે અને સુરતીલાલાઓ ખાણી-પીણીની જ્યાફત સાથે છાપરે-ધાબે પતંગ ચગાવવાની તૈયારીઓ આરંભી ચુક્યા છે. ત્યારે ખાસ કરીને શહેરના કોટ વિસ્તારમાં તિરંગા દોરીની ખાસ્સી બોલબાલા રહી છે. આપણા રાષ્ટ્રધ્વજ તિરંગાના ત્રણ કલરથી તૈયાર કરાયેલી દોરી પણ પોતાનો પરચો બતાવવા થનગની રહી છે.
કતારગામ દરવાજા જે. પી. ચેમ્બર્સની સામે છેલ્લા ત્રીસેક વર્ષથી સતિષભાઈ પટેલ ઉર્ફે ચકાભાઈ દોરીને માંજો ચઢાવવાનું એટલે કે સુરતી ભાષામાં દોરી ઘસવાનું કામ કરે છે. તેમણે પોતાની વિશેષતા તરીકે તિરંગા દોરી બનાવી છે. ચકાભાઈએ જણાવ્યું કે દોરીનું નામ તિરંગા છે અને તેને હું સન્માન સાથે તૈયાર કરૂં છું. જો કોઈ પતંગરસિયા તિરંગા દોરીનો ઓર્ડર આપે તો આ દોરીને સ્પેશ્યલ માંજામાં બે વખત તૈયાર કર્યા બાદ તેને તિરંગાનો આખરી ઓપ આપું છું. દોરીના ચરખા પર સાદો સફેદ કલર ચઢાવ્યા બાદ તેને કેસરી અને લીલા રંગથી સજાવીને બાદમાં ફિરકીમાં ભરવામાં આવે છે, જેને તિરંગા દોરી નામ આપવામાં આવ્યું છે.
ચકાભાઈએ વધુમાં ઉમેર્યું કે મારી પત્ની, બે બાળકો, તમામ ગ્રેજ્યુએટ છે પરંતુ તેઓ ઉત્તરાયણના સમયે મારા માંજો પાવાના કામમાં તમામ મદદ કરે છે. ચાલુ વર્ષે પણ દોરી ઘસવાના ભાવો તમામે વધાર્યા પરંતુ ચકાભાઈએ કહ્યું કે તેઓએ ગયા વર્ષ જેટલો જ ભાવ માંજો પાવાનો રાખ્યો છે. આ કામમાં મને આનંદ મળે છે, મારો શોખ પણ છે, એટલે તેમાં કમાવાનો મારો ખાસ હેતુ નથી. તેમણે કહ્યું કે પહેલા પતંગરસિયાઓની ફિરકીઓ ખોવાઈ, બદલાઈ જતી હતી. જેથી અમે મલ્ટીકલર દોરી શરૂ કરી છે, જેને પણ પતંગરસિયાઓનો ખાસ્સો પ્રતિસાદ મળ્યો છે.