Tourism :ભારતીયો હવે 30 દિવસ સુધી વિઝા વગર થાઈલેન્ડમાં રહી શકશે
જો તમે પણ દિવાળીની રજાઓમાં દેશની બહાર ફરવા જવાનો પ્રોગ્રામ બનાવી રહ્યા હો પણ વિઝાના કારણે તમે જઈ શકો એમ ન હો તો, તમારા માટે આનંદના સમાચાર છે કે, હવે થાઈલેન્ડ ફરવા માટે વિઝાન ઓન એરાઈવલ લેવાની જરૂર નહીં પડે. થાઈલેન્ડે ભારત અને તાઈવાનના પ્રવાસીઓ માટે વિઝાની જરૂરિયાત નાબૂદ કરી છે માટે હવે ભારતીયો 30 દિવસ સુધી વિઝા વગર થાઈલેન્ડમાં રહી શકશે. જો કે, આ સેવા આવતા મહિનાથી શરૂ થશે અને આ છૂટ આવતા વર્ષના મે સુધી રહેશે.
પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. થાઈલેન્ડે ભારત અને તાઈવાનથી આવતા પ્રવાસીઓ માટે વિઝાની જરૂરિયાત નાબૂદ કરી છે. આ અગાઉ સપ્ટેમ્બરમાં થાઈલેન્ડે ચીની પ્રવાસીઓ માટે વિઝાની જરૂરિયાત નાબૂદ કરી દીધી હતી કારણ કે, ચીનના પ્રવાસીઓ મોટી સંખ્યામાં થાઈલેન્ડ જાય છે.
થાઈ સરકારના પ્રવક્તા ચાઈ વાચારોંન્કેના જણાવ્યા અનુસાર, ભારત થાઈલેન્ડ માટે ચોથા સૌથી મોટા સ્ત્રોત બજાર તરીકે ઉભરી આવ્યું છે. આ વર્ષે ભારતમાંથી લગભગ 12 લાખ પ્રવાસીઓ થાઈલેન્ડ ગયા હતા. ભારત પહેલાં થાઈલેન્ડ માટે ત્રણ સૌથી મોટા પ્રવાસી સ્ત્રોત દેશો મલેશિયા, ચીન અને દક્ષિણ કોરિયા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ શ્રીલંકા સરકારે પણ ભારતીયો માટે જાહેરાત કરી હતી કે, ભારતીયો હવે વગર વિઝાએ શ્રીલંકાની યાત્રા પણ કરી શકશે. શ્રીલંકાની કેબિનેટે પ્રસ્તાવને મંજૂરી આપી હતી. જેમાં ભારત સહિત 7 દેશના યાત્રિકો વગર વિઝાએ શ્રીલંકાનો પ્રવાસ કરી શકશે. જેમાં ભારત ઉપરાંત ચીન, રશિયા, મલેશિયા, જાપાન, ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે.