- પત્નીએ પ્રથમ લગ્નની વાત છૂપાવી હતીઃ DNA ટેસ્ટમાં બે પૈકીનું એક સંતાન પોતાનું કે પ્રથમ પતિનું નહીં, ત્રીજાનું જ નીકળ્યું
- પતિને ચાર વર્ષ પૂર્વે શંકા ગઈ હતીઃ સોશિયલ મીડિયામાં પત્નીના ચારિત્ર્યનો ભાંડો ફૂટ્યો અને વધુ તપાસ કરતાં ડુંગર નીકળ્યો
કોઈ સ્ત્રી પોતાના પતિ, પરિચિત કે અન્ય કોઈ પુરૂષ સામે દુષ્કર્મ, શારીરિક શોષણ, છેતરપિંડી જેવી ફરિયાદ નોંધાવે તે વાત કોઈ વધુ નવાઈ પમાડે તેવી નથી. પરંતુ સુરતમાં એક ફરિયાદે તમામની આંખો પહોળી કરી નાંખી છે. 38 વર્ષીય એક યુવકે પોતાની પત્ની વિરુદ્ધ દુષ્કર્મ, છેતરપિંડી જેવી ફરિયાદ નોંધાવી છે. પોલીસે શરૂઆતમાં ફરિયાદ અંગે કોઈ ખાસ દાદ નહીં આપતાં આ યુવકે પત્ની પીડિત પુરૂષોને મદદ કરતી વડોદરાની એક સંસ્થા સેવ ઈન્ડિયા ફેમિલી ફાઉન્ડેશનની મદદ લીધી હતી અને તેના આધારે હવે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે.
સમગ્ર હકીકત એવી છે કે સુરતમાં રહેતાં 38 વર્ષીય યુવકના લગ્ન દસેક વર્ષ પૂર્વે નજીકના ગામે રહેતી એક યુવતી સાથે થયા હતાં. છએક વર્ષ લગ્નજીવન સુખરૂપ પસાર થયું અને બે સંતાનો પણ ખોળે રમતાં થઈ ગયાં. પરંતુ ચારેક વર્ષ પહેલાં યુવકને પત્નીના ચારિત્ર્ય અંગે શંકા થઈ હતી. શંકાનું સમાધાન કરવા તેણે પોતાની પત્નીના મોબાઈલ તેમજ સોશિયલ મીડિયા એકાઉન્ટની વિગતો મેળવવી શરૂ કરી તો તે ચોંકી ઉઠ્યો હતો. કારણકે તેની પત્ની સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક યુવકો સાથે સંપર્કમાં હતી. ઝઘડો શરૂ થયો પરંતુ પરિવારનું ભવિષ્ય અને સમાજના ડરે છેવટે યુવકે સમાધાનનો માર્ગ અપનાવ્યો.
જો કે થોડા જ સમયમાં યુવકને એવી ચોંકાવનારી વિગતો સાંપડી કે તેની પત્નીના અગાઉ લગ્ન થઈ ચુક્યાં હતાં. એટલું જ નહીં, બે પૈકીનું એક સંતાન અન્ય કોઈનું છે. જેથી યુવકે તપાસ શરૂ કરતાં એક વાત સાચી નીકળી હતી કે તેની પત્ની અગાઉ અન્ય સાથે પરણી ચુકી હતી. સંતાનો માટે યુવકે DNA ટેસ્ટનો સહારો લીધો ત્યારે તે વજ્રાઘાત સમો પુરવાર થયો હતો. કારણકે તેણે પાળેલા બે સંતાનો પૈકીનું એક તો પોતાનું હતું. પરંતુ બીજું સંતાન વધુ તપાસ કરતાં પત્નીના પ્રથમ પત્નીનું પણ નહીં અને કોઈ અન્ય પુરૂષનું જ હતું.
જે પત્નીને વર્ષો સુધી પ્રેમ કર્યો, સમાજમાં ઊંચો દરજ્જો આપ્યો, કેટકેટલી કાળજી લીધી તે પત્નીએ પોતાની સાથે દગો કર્યાની વાત યુવક સહન કરી શક્યો નથી. તેણે પ્રથમ તો સુરત પોલીસમાં ફરિયાદ કરી હતી પરંતુ કોઈ અગમ્ય કારણસર પોલીસે તેની ફરિયાદ વિષે યોગ્ય કાર્યવાહી કરી ન હતી. જેથી તેણે વડોદરાની સેવ ઈન્ડિયા ફેમિલી ફાઉન્ડેશન સંસ્થાની મદદ લીધી. હવે સંસ્થાની મદદથી યુવકે કોર્ટમાં ફરિયાદ કરી દાદ માંગી છે. યુવકે ફરિયાદમાં પોતાની વ્યથા વર્ણવી છે અને કહ્યું છે કે તેની પત્નીએ 10 વર્ષ સુધી તેની સાથે છેતરપિંડી આચરી, શારીરિક શોષણ, દુષ્કર્મ આચર્યું છે. કોર્ટ ટૂંકમાં જ આ ફરિયાદની સુનાવણી કરશે.