November 24, 2024

નીતિન મહેતાની નર્મદા પરિક્રમાઃ 72 દિવસમાં 3600 કિ.મી. પગપાળા યાત્રા

  • પાલ અન્નપૂર્ણા મંદિરે ભવ્ય સ્વાગત કાર્યક્રમઃ મહેતાએ પરિક્રમાના કડવા-મીઠા અનુભવો વર્ણવ્યા, ધન્યતા અનુભવી
  • નર્મદા મૈયાની પરિક્રમા એ મારે મન મારી ભક્તિની ફળશ્રુતિ, પરિવાર સંમતિ આપે તો હમણાં જ ફરી ચાલી નીકળુંઃ નીતિન મહેતા

“નમામિ દેવી માત્ નર્મદે” સનાતન હિન્દુ ધર્મમાં નર્મદા નદીનું મહત્વ અનેરૂં છે. તેમાં પણ નર્મદા નદીની પરિક્રમાને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. હિમાલયમાં કઠીન તપશ્ચર્યા કરતાં સાધુઓને પણ અવધૂતનું પદ પ્રાપ્ત કરવું હોય, તો તે નર્મદાની પરિક્રમા વિના અધૂરૂં છે. આવી અત્યંત કઠીન, કપરી નર્મદા નદીની પરિક્રમા સુરતના શ્રેષ્ઠી ભૂદેવ નીતિનભાઈ મહેતાએ હેમખેમ સંપન્ન કરી છે, જે સમગ્ર શહેર માટે ગૌરવની વાત છે.

નર્મદા નદીની પરિક્રમા મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના ઓમકારેશ્વર મંદિરથી શરૂ થાય છે અને અહીં જ તે પરિપૂર્ણ થાય છે. નીતિનભાઈ મહેતાએ પોતાના બે મિત્રો વિપુલભાઈ વ્યાસ અને વિજયભાઈ પંડ્યા (ભોલો)ને લઈને સુરતથી ઓમકારેશ્વર માટે પ્રસ્થાન કર્યું હતું અને ત્યાંથી 3,600 કિ.મી.ની નર્મદા મૈયાની પરિક્રમા પગપાળા શરૂ કરી હતી. લગાતાર 72 દિવસ પગપાળા ચાલ્યા બાદ તેઓ ઓમકારેશ્વર પરત ફર્યા હતાં અને તા. 10મી જાન્યુ. 2023ના રોજ અંગારકી ચોથના દિવસે સુરત પધાર્યા હતાં. તા. 13મીના રોજ તેમને સત્કારવા પાલ અન્નપૂર્ણા મંદિર ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં શહેરના સામાજિક, રાજકીય સહિત વિવિધ ક્ષેત્રો, સમાજના અગ્રણીઓએ તેમના સ્વાગત-સત્કાર કર્યા હતાં. આ પ્રસંગે તેમણે 72 બાળાઓની પૂજા સાથે પરિક્રમા સંપન્ન કરી હતી.

આ પ્રસંગે નીતિનભાઈ મહેતાએ જણાવ્યું હતું કે નર્મદા મૈયાની પરિક્રમા એ મારે મન મારી ભક્તિની ફળશ્રુતિ છે. પરિક્રમા ખૂબ જ કઠીન છે, પરંતુ અમને ડગલે ને પગલે નર્મદા મૈયાની મદદ, માર્ગદર્શન મળતાં રહ્યાં. પરિક્રમાના કેટલાક માર્ગ તો ગીચ જંગલમાં નાની પગદંડીથી પસાર થાય છે, ત્યાં પણ મૈયાએ એક યા અન્ય રીતે માર્ગદર્શન મોકલ્યું અને અમારી પરિક્રમા સફળ રહી. તેમણે કહ્યું કે નર્મદાની પરિક્રમા વિષે ઘણું બધું સાંભળવા મળ્યું હતું, ચમત્કારોની પણ વાતો હતી જે અમારી સમક્ષ સાકાર થયું છે. તેમણે ઉમેર્યું કે જીવનમાં એક વખત નર્મદા મૈયાની પરિક્રમા કરવા જેવી છે. મને જો મારો પરિવાર સંમતિ આપે તો હું ફરીથી પરિક્રમા માટે ચાલી નીકળું તેવું કહી તેઓએ ધન્યતા વર્ણવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો