સુરતના વરાછામાં હાર્ટએટેકથી વધુ એક યુવાનનું મોત
થોડા સમય અગાઉ 50 વર્ષે કોઈને હાર્ટ એટેક આવે તો પણ નાની ઉંમર કહેવાતી હતી પરંતુ રાજ્યમાં છેલ્લાં થોડા સમયથી નાની વયની વ્યક્તિઓમાં હાર્ટએટેકના પ્રમાણમાં વધારો થયો છે. ત્યારે સુરતમાં વધુ એક વ્યક્તિનું હાર્ટએટેકથી નિધન થયું છે. આ અંગે મળતી વિગત પ્રમાણે, નાના વરાછામાં રહેતા અને દાણા-ચણાનો વેચાણ કરતાં ટુનટુન ગોર (ઉ.વ.45) રવિ પાર્ક સોસાયટીમાં રહે છે. વહેલી સવારે તેઓ ઉંઘમાંથી નહીં ઉઠતા પરિવારના લોકો હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબોએ ટુનટુન ગોરને મૃત જાહેર કર્યા હતા. તેમના અચાનક મોતથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા કારણ કે, તેમને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી નહતી. કાપોદ્રા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે, જે બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે.
ઉલ્લેખનિય છે કે, થોડા દિવસ પહેલાં સુરતના અઠવા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. જેમાં 42 વર્ષીય જયેશભાઈ પટેલ ટેલરિંગનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા જેઓ પોતાના ઘરે બાથરુમમાં નહાવા ગયા હતા જે દરમિયાન તેમને છાતીમાં દુખાવો થતાં પરિવારજનો તેમને તુરંત હોસ્પિટલ લઈને દોડ્યા હતા પરંતુ નવી સિવિલ હોસ્પિટલ સુધી પહોંચ્યા ત્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.આ ઉપરાંત નવસારી ખાતે નવયુવાનને હાર્ટએટેક આવ્યા બાદ અચાનક જમીન પર ઢળી પડતાં જ તેનું મોત થયુ હોવાના સીસીટીવી ફુટેજ વાયરલ થઈ રહ્યા છે, જે જોઈને પણ કાળજુ કંપી જાય છે.