May 25, 2025

સુરતમાં પતિએ કરી પત્નીની હત્યા: હાથની નસ કાપી કરી આત્મહત્યા

સુરતના ડિંડોલી વિસ્તારમાં ઘરકંકાસને લઈને પતિએ પત્નીની કરપીણ હત્યા કરી પોતે પણ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે.
સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા અને સોનીની મજૂરી કામ સાથે સંકળાયેલા વ્યક્તિએ પહેલાં પત્નીને ચપ્પુના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાદમાં પોતે પણ હાથની નસ કાપી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.  

મૂળ મહારાષ્ટ્રના અને હાલમાં સુરતના ડિંડોલી વિસ્તારમાં રહીને સોનીની મજૂરીકામ કરતાં રાજુભાઈ છેલ્લા એક વર્ષથી બિમારીના કારણે ડિપ્રેશનનો ભોગ બન્યાં હતાં જેના કારણે પત્ની સાથે તેમનો અવારનવાર ઝઘડો થતો હતો ત્યારે માનસિક તણાવમાં જ રાજુભાઈએ પોતાની પત્નીની હત્યા બાદ પોતે પણ આપઘાત કરી લઈને જીવન ટૂંકાવી દીધું હતું. આ દંપતિને સંતાનમાં બંને દીકરીઓ પૈકી એક વડોદરા અને બીજી અમદાવાદ અભ્યાસ કરે છે. આ ઘટનાની જાણકારી મળતા જ બંને દીકરીઓ સુરત આવી પહોંચી હતી. જોકે હાલ પોલીસે પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક સાયલાબેન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં રહેવાના કારણે પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો થયા બાદ આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવી રહ્યું છે.