રાહુલ ગાંધીની સજા સામેની અપીલની સુનાવણી 13 એપ્રિલે
- નીચલી કોર્ટના સજાના ચુકાદા સામે સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની અપીલ સ્વિકારી અને જામીન આપ્યા
- અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ તેમજ લીગલ ટીમ સુરત કોર્ટમાં હાજર રહ્યાં
કોંગ્રેસના અગ્રણી હરોળના નેતા રાહુલ ગાંધી આજે સુરત આવી પહોંચ્યા હતાં. બધા ચોરોની અટક મોદી કેમ હોય છે? એવા નિવેદન બાદ સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ કર્યો હતો. જેમાં સુરતની ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની કેદ અને રૂ. 15 હજારનો દંડ ફટકાર્યો હતો. નીચલી કોર્ટના આ ચુકાદાને પડકારવા માટે રાહુલ ગાંધી તરફે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
રાહુલ ગાંધી કોર્ટ સંકુલ પહોંચે તે પૂર્વે તેમના તરફે સેશન્સ કોર્ટમાં નીચલી કોર્ટના ચુકાદાને રદ કરવા માટે અપીલ ફાઈલ કરી દેવામાં આવી હતી. આ સાથે જ રાહુલ ગાંધી તરફે જામીન માટે પણ અરજી કરવામાં આવી હતી. દરમિયાન સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની અપીલ સ્વિકારી તા. 13મી એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરવાનો હુકમ કર્યો હતો. તેમજ રાહુલ ગાંધીના જામીન પણ મંજૂર કર્યાં હતાં. નોંધનીય છે કે નીચલી કોર્ટના સજાના હુકમ બાદ રાહુલ ગાંધીનું સાંસદપદ રદ થયું છે. હવે જો સેશન્સ કોર્ટ નીચલી કોર્ટના સજાના હુકમને રદ કરે તો ગાંધીનું સાંસદપદ ફરી મળી શકે છે. જેથી હવે આગામી તા. 13મી એપ્રિલના રોજ સેશન્સ કોર્ટની સુનાવણી પર સૌની નજર રહેશે.
રાહુલ ગાંધી પોતાની બહેન પ્રિયંકા તેમજ પોતાની લીગલ ટીમ સાથે દિલ્હીથી સુરત પહોંચ્યા હતાં. સાથે જ અશોક ગેહલોત સહિત કોંગ્રેસ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ, કોંગ્રેસના રાષ્ટ્રીય ઉચ્ચ હરોળના નેતાઓ તેમજ હજારોની સંખ્યામાં કાર્યકરો રાહુલના સમર્થન, સ્વાગત માટે સુરતમાં આવી પહોંચ્યા હતાં. કોંગ્રેસીઓની વધતી સંખ્યા જોઈ સુરત પોલીસ સતર્ક બની હતી અને સંખ્યાબંધ નેતાઓ, કાર્યકરોની અટકાયત કરી હતી. સુરત આવવા માટે નીકળેલા અનેક કોંગ્રેસીઓને ત્યાંની સ્થાનિક પોલીસ દ્વારા રોકીને ડિટેઈન કરાયા હતાં. રાહુલ ગાંધીના સુરત એરપોર્ટથી કોર્ટ સંકુલ સુધીના રૂટ ઉપર ઠેર ઠેર સમર્થન સૂત્રોચ્ચાર થયા હતાં. સંખ્યાબંધ અટકાયતોને પગલે કોંગ્રેસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.