સુરતમાં બેંક ઓફ મહારાષ્ટ્રમાં લૂંટ ચલાવનારા 4 લૂંટારાંઓ ઝડપાયા
સુરતના સચિન સ્થિત વાંઝ ખાતે આવેલી બેંક ઓફ મહારાષ્ટ્રમાં થઈ હતી 13.26 લાખની લૂંટ
કર્મચારીઓ તેમજ ગ્રાહકોને બંધક બનાવી બેંકમાંથી કુલ 13.26 લાખની મત્તાની લૂંટ કરી બાઈક પર ફરાર
ઉત્તરપ્રદેશના ગેંગસ્ટર વિપિન સિંગ તેમજ તેની ગેંગ દ્વારા બેંક ઓફ મહારાષ્ટ્રમાં ધાડ કરવાની યોજના સાથે સુરત આવીને બેંકની રેકી કરી હતી
સુરતના સચિન સ્થિત વાંઝ ખાતે આવેલી બેંક ઓફ મહારાષ્ટ્રમાં થયેલી 13.26 લાખની લૂંટના આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઉતરપ્રદેશના રાયબરેલીથી કુખ્યાત ગેંગસ્ટર સહીત 4 ને ઝડપી પાડ્યા છે.
ગત તા.11 ઓગસ્ટના રોજ સવારે મોઢે રૂમાલ તેમજ હેલ્મેટ પહેરીને 5 જેટલા ઈસમો પિસ્ટલ, કટ્ટા જેવા હથિયાર વડે બંકમાં પ્રવેશ્યા હતા અને કર્મચારીઓ તેમજ ગ્રાહકોને બંધક બનાવી બેંકમાંથી કુલ 13.26 લાખની મત્તાની લૂંટ કરી બાઈક પર ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. ત્યારે આ બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી જઈને તપાસ શરુ કરી હતી જેમાં સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ પણ જોડાઈ હતી.
આ તપાસ દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે ઉત્તરપ્રદેશના ગેંગસ્ટર વિપિન સિંગ તેમજ તેની ગેંગ દ્વારા બેંક ઓફ મહારાષ્ટ્રમાં ધાડ કરવાની યોજના સાથે સુરત આવીને બેંકની રેકી કરી હતી અને પલસાણા વિસ્તારમાં રોકાઈને લૂંટને અંજામ આપ્યા બાદ ઉત્તરપ્રદેશના રાયબરેલી ખાતે ભાગી ગયા છે. આ બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે રાયબરેલી ખાતે ઓપરેશન પાર પાડી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડેલા આરોપીઓમાં અરબાજખાન શાનમહંમદખાન ગુજર (ઉ.21) વિપીંનસિંગ સોમેન્દ્રસિંગ ઠાકુર (ઉ.38) અનુજપ્રતાપસિંગ ધરમરાજસિંગ ઠાકુર (ઉ.21) અને ફૂરકાન અહેમદ મોહમંદ સેફ ગુજરનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 1.13 લાખ, પિસ્ટલ તેમજ રાઉન્ડ બે નંગ, મોબાઈલ ફોન મળી કુલ 1.58 લાખની મત્તા સહિત ચોરી કરેલી બે બાઈક સચિન પોલીસે બિન વારસી કબજે કરી છે.